<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

પાકિસ્તાનની બેવડી નીતિનો પર્દાફાશ: જે સૈનિકને ઓળખવાનો ઇનકાર કર્યો હતો, હવે તેને શહીદ ગણાવી રહ્યું છે!

પાકિસ્તાની સેના પ્રમુખ દ્વારા કેપ્ટન કર્નલ શેર ખાનને તાજેતરમાં અપાયેલી શ્રદ્ધાંજલિ, કારગિલ યુદ્ધમાં સૈનિકોની સંડોવણી અને જાનહાનિના ઐતિહાસિક ઇનકારથી તદ્દન વિપરીત

નવી દિલ્હી 7 જુલાઈ 2025: પાકિસ્તાનનો દંભ ફરી એકવાર ઉઘાડો પડ્યો છે! શનિવારે, પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કેપ્ટન કર્નલ શેર ખાન શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી, અને કારગિલ યુદ્ધમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ એ જ કેપ્ટન ખાન છે, જેમનો મૃતદેહ પાકિસ્તાને શરૂઆતમાં સ્વીકારવાનો કે ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો!

કારગિલ યુદ્ધનો ઇનકાર અને પાકિસ્તાનની જૂઠાણું:
અહેવાલ મુજબ, જ્યારે દ્રાસ સબ-સેક્ટરમાં ટાઈગર હિલ પર કેપ્ટન ખાનનો મૃતદેહ મળ્યો, ત્યારે પાકિસ્તાને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય દૂતાવાસની એક જૂની વિજ્ઞપ્તિમાંથી એક મુખ્ય વિગત સામે આવી છે કે, પાકિસ્તાને કારગિલ આક્રમકતામાં પોતાના નિયમિત સૈનિકોની સંડોવણીનો સતત ઇનકાર કર્યો હતો.

વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ દ્વારા 15 જુલાઈ, 1999ના રોજ જારી કરાયેલા એક પત્રને ટાંકીને આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતે માહિતી આપ્યા પછી પણ પાકિસ્તાને ખાનને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. ભારતે 12 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાનનો સંપર્ક કરીને પાકિસ્તાની સેનાને મૃતદેહ સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તે સમયે દૂતાવાસના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, "તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન આ મૃતદેહોની ઓળખ જાણે છે, પરંતુ તેને સ્વીકારવા માંગતું નથી, કારણ કે તેનાથી કારગિલમાં તેમની સેનાની સંડોવણીનો પર્દાફાશ થશે. આમ કરીને, તેઓ પોતાના સૈનિકો, તેમના પરિવારો અને સશસ્ત્ર દળોની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે."

પાકિસ્તાને ક્યારે સ્વીકાર્યું?
રસપ્રદ વાત એ છે કે, 13 જુલાઈ, 1999ના રોજ ICRC (ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રોસ) એ ભારતનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પાકિસ્તાને બે અધિકારીઓના મૃતદેહ સોંપવા માટે ભારત સાથે વાટાઘાટો કરવા વિનંતી કરી છે.

ત્યારબાદ ભારતીય દૂતાવાસે અન્ય એક નિવેદન બહાર પાડ્યું હતું કે, "માહિતી હોવા છતાં, પાકિસ્તાનની વિનંતીમાં બંને અધિકારીઓના નામ અને ઓળખનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેનું કારણ સ્પષ્ટ છે. પાકિસ્તાની અધિકારીઓને ખ્યાલ આવી ગયો છે કે જો તેઓ આ બે અધિકારીઓની ઓળખ સ્વીકારી લેશે, તો કારગિલમાં પાકિસ્તાની સેનાની સંડોવણી ન હોવાના તેમના જૂઠાણાનો પર્દાફાશ થઈ જશે."

પાકિસ્તાની સેના પ્રમુખ દ્વારા કેપ્ટન કર્નલ શેર ખાનને તાજેતરમાં આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિ, કારગિલ યુદ્ધમાં તેમના સૈનિકોની સંડોવણી અને જાનહાનિના તેમના ઐતિહાસિક ઇનકારથી તદ્દન વિપરીત છે. આ ઘટના પાકિસ્તાનની બેવડી નીતિ અને તેના જૂઠાણાને ફરી એકવાર ઉજાગર કરે છે.

 

(5:39 PM IST)