<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તી ગણતરીનું ફોર્મ

કેન્દ્ર સરકારની ખાસ તૈયારીઃસરકારે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.૭

ભારતમાં આગામી વસ્તુ ગણતરીને લઈને સરકારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશની પહેલી વસ્તી ગણતરી ડિજિટલી થશે. જેમાં દેશમાં પહેલીવાર લોકો વસ્તીગણતરીનું ફોર્મ ખુદ ભરી શકશે. આ માટે સરકારે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, મોબાઈલ એપ્લિકેશનના માધ્યમ થકી પણ વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવશે.

દેશમાં અત્યાર સુધીમાં વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે જઈને સરકારી કર્મચારીઓ કાગળમાં જાણકારી એકઠી કરતા હતા. પરંતુ હવે સરકાર આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. સરકારે કહ્યું છે કે, નાગરિકો ઈચ્છે તો ખુદ જ પોતાની જાણકારી વેબ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. આ માટે બે તબક્કાવાર વસ્તી ગણતરી થશે. પહેલા તબક્કામાં 'ઘરની યાદી અને રહેઠાણ ગણતરી' થશે, એટલે કે ઘરો વિશેની માહિતી મેળવવાશે અને બીજા તબક્કામાં 'વસ્તી ગણતરી' થશે. જેમાં બંને તબક્કામાં લોકો પોતાની માહિતી જાતે નોંધાવી શકશે. વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭માં બે તબક્કામાં થશે. જેમાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી પહેલો તબક્કો શરૃ થશે. જ્યારે બીજો તબક્કો ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી શરૃ થશે. આ મામલે ગત ૧૬ જૂન, ૨૦૨૪ના રોજ સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું. એટલે હવે આઝાદી પછી ભારતમાં ૮મી અને કુલ ૧૬મી વસ્તી ગણતરી થશે.

વસ્તી ગણતરીના કામ માટે સરકારે દેશભરમાં આશરે ૩૪ લાખ લોકોને નિયુક્ત કર્યા છે. આ કર્મચારીઓને ત્રણ સ્તરમાં ટ્રેનિંગ આપવામાં આવશે. પહેલા રાષ્ટ્રીય ટ્રેન, માસ્ટર ટ્રેનર અને અંતે ફિલ્ડ ટ્રેનર તૈયાર કરાશે. જેઓ દરેક ગામડાઓ અને શહેરના નાના-નાના ભાગોમાં જઈને વસ્તી ગણતરી કરશે. જેમાં કોઈપણ વ્યક્તિ કે ઘર બાકી ન રહે તે માટે નિયુક્ત કરાયેલા કર્મચારીની જવાબદારી રહેશે.

સમગ્ર મામલે સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપી દીધા છે કે, તેઓ પોતાના જિલ્લા, તાલુકા કે પોલીસ સ્ટેશનની સીમાઓમાં કોઈ ફેરફાર કરવા માગે છે તો આગામી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ પહેલા કરી લે. આ પછી એજ સીમાઓ વસ્તી ગણતરી માટે અંતિમ રૃપમાં માનવામાં આવશે. સીમાઓ નક્કી થયાના ત્રણ મહિના પછી જ વસ્તી ગણતરી શરૃ કરી શકાશે.

(9:50 PM IST)