ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક હૃદયદ્રાવક દ્રશ્ય : પુત્રની માનતા પૂરી કરવા જતા માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા
પાણીમાં ડૂબી રહેલી એક માતા પોતાના પુત્રને બચાવવા માટે આક્રંદ કરી રહી છે : પતિ રમેશભાઈ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું:પુત્રની માનતા પૂરી કરવા માટે પરિવારના ચારેય સભ્યો ઇકો કારમાં બગદાણા જતા હતા

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં એક માતા પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં ડૂબેલા પુત્ર માટે આક્રંદ કરી રહી છે. આ 40 વર્ષ જૂનો પુલ ધરાશાયી થતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે.
આ ઘટનાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીમાં ડૂબી રહેલી એક માતા પોતાના પુત્રને બચાવવા માટે કેવો આક્રંદ કરી રહી છે. આ વિડિયોમાં નદીમાં પડેલા વાહનોના હોર્ન વાગી રહ્યા છે અને તેની સાથે ભળતો માતાનો આર્તનાદ કોઈ પણ કઠણ કાળજાને કંપીત કરી દે તેવો છે.
આ દુર્ઘટનામાં દરિયાપુર ગામના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ કરુણાંતિકામાં માતા સોનલબેન પઢિયાર ઘાયલ થયા છે, પરંતુ તેમના પતિ રમેશભાઈ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું છે. આ પરિવાર બગદાણા ખાતે પૂનમ ભરવા જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની.
દુઃખની વાત એ છે કે, પુત્રની માનતા પૂરી કરવા માટે પરિવારના ચારેય સભ્યો ઇકો કારમાં બગદાણા જઈ રહ્યા હતા. સોનલબેન ડિક્કી પાસે બેઠા હતા અને આ દુર્ઘટનામાં તેઓ બચી ગયા, પરંતુ તેમના પતિ અને બંને બાળકો કાળનો કોળિયો બની ગયા.
નદીમાં ખાબકેલી ઇકો કારને લોકોએ રસ્સાથી મદદથી બહાર ખેંચી હતી. જેમાંથી 6 મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન સ્થાનિક યુવકે જણાવ્યું કે, અમે લોકો સવારથી રેસ્ક્યૂની કામગીરી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
