<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

નિંભર તંત્ર મોત...માતમ... ચિત્‍કારની રાહ જોતું'તું

પુલ દુર્ઘટના મામલે પ્રજામાં ભારે આક્રોશ : મોરબીકાંડ પછી પણ કોઇ બોધપાઠ ન લીધો : ઓગષ્‍ટ ૨૦૨૨માં જ પુલ ‘મોતનો પુલ' બનશે એ મુજબની રજુઆતથઇ હતી પણ તંત્ર ઉંઘતું રહયું : પત્ર લખી - રિમાઇન્‍ડર લખી પુલ બંધ કરવા જણાવાયું હતું છતાં તંત્ર બેદરકાર રહયું : ૨૦૨૨ની ચેતવણીની અવગણના ભારે પડી : મૃત્‍યુઆંક વધીને ૧૫ : હજુ ચાર લોકો લાપત્તા : તંત્રને ઢંઢોળવા ર૦રરમાં જે પત્ર થકી ધ્‍યાન દોરાયુ તે પત્રની નકલ

 

નવી દિલ્‍હી, તા.૧૦: ગુજરાતના વડોદરામાં પુલ તૂટી પડવાથી અને વાહનો નદીમાં પડી જવાથી ઘણા લોકોના મોતના સમાચારથી તમને આઘાત લાગ્‍યો હશે - સ્‍થાનિક લોકો આ અકસ્‍માતથી દુઃખી છે પણ આશ્‍ચર્ય પામ્‍યા નથી. આ ૪૦ વર્ષ જૂનો પુલ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો. એવું નથી કે સરકાર અને વહીવટીતંત્રને આ વાતની જાણ નહોતી. તંત્રને જગાડવા અને પુલ પર ટ્રાફિક બંધ કરવા માટે યોગ્‍ય પત્રો લખવામાં આવ્‍યા હતા અને યાદ અપાવવામાં આવ્‍યા હતા, પરંતુ કદાચ તેઓ મોત, માતમ અને ચિત્‍કારની રાહ જોઈ રહયું હતું.

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો આ પુલ ૧૯૮૫માં મહી નદી પર બનાવવામાં આવ્‍યો હતો. વડોદરાના પાદરા તાલુકાના ગંભીરા અને મુજપુર ગામ વચ્‍ચેનો પુલ બુધવારે બપોરે અધવચ્‍ચે જ તૂટી પડ્‍યો. આ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. હવે એ વાત સામે આવી છે કે સ્‍થાનિક લોકોએ ઘણી વાર વહીવટીતંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ જાગ્‍યા નહીં.

ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાના અહેવાલ મુજબ, વડોદરા જિલ્લા પંચાયતના સભ્‍ય અને મુજપુરના રહેવાસી હર્ષદ સિંહ પરમારે ત્રણ વર્ષ પહેલાં માર્ગ અને મકાન (R&B) વિભાગને એક પત્ર લખ્‍યો હતો, જેમાં તેમણે જણાવ્‍યું હતું કે પુલ જાહેર સલામતી માટે ખતરો બની ગયો છે.

ઓગસ્‍ટ ૨૦૨૨ માં પરમારે માંગ કરી હતી કે પુલને અસુરક્ષિત જાહેર કરવામાં આવે અને તાત્‍કાલિક બંધ કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે પુલ તાત્‍કાલિક બંધ કરી દેવો જોઈએ અને નવા પુલનું બાંધકામ શરૂ કરવું જોઈએ. તેમણે આર એન્‍ડ બી વિભાગને કહ્યું હતું કે જો સમયસર કોઈ કાર્યવાહી નહીં થાય અને કોઈનું મળત્‍યુ થશે તો તમે જવાબદાર રહેશો. પરમારે જણાવ્‍યું હતું કે તેમના પત્ર પછી, વડોદરા જિલ્લા કલેક્‍ટર કચેરીના અધિક ચિટનીસ (સચિવ) એ આર એન્‍ડ બી વિભાગના કાર્યકારી ઇજનેરને જરૂરી કાર્યવાહી કરવા માટે પત્ર મોકલ્‍યો હતો.

૩૦ ઓક્‍ટોબર ૨૦૨૨ ના રોજ, ગુજરાતના મોરબી જિલ્લામાં એક પુલ અકસ્‍માતમાં ૧૩૫ લોકોના મોત થયા બાદ પરમાર ફરીથી પોતાના ગામના પુલની ચિંતા કરવા લાગ્‍યા. તેમણે આર એન્‍ડ બી અને જિલ્લા કલેક્‍ટરને રીમાઇન્‍ડર મોકલ્‍યું. પરમારે કહ્યું, ‘પુલના પિલર ધ્રુજતા હતા.' મેં વારંવાર માંગ કરી હતી કે પુલની સ્‍થિતિ અંગેનો અહેવાલ જાહેર કરવામાં આવે. અમને ફક્‍ત એટલું જ કહેવામાં આવ્‍યું હતું કે વિચારણા ચાલી રહી છે. વહીવટીતંત્ર જાણતું હતું કે પુલ તૂટી પડશે, પરંતુ કમનસીબે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

RTI કાર્યકર્તા અને સ્‍થાનિક નેતા લખન દરબારે જણાવ્‍યું હતું કે ૨૦૨૨ માં, R&B વિભાગના એક કાર્યકારી ઇજનેરે પોતે સ્‍વીકાર્યું હતું કે પુલ ઉપયોગ માટે યોગ્‍ય નથી. તેણે કહ્યું, ‘પુલ સલામત નહોતો.' પરીક્ષણ રિપોર્ટ નેગેટિવ હતો, પરંતુ અમારી માંગણીઓ છતાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો ન હતો. ત્રણ વર્ષ સુધી તેઓએ વાહનોને દોડવા દીધા, એ જાણીને કે પુલ સુરક્ષિત નથી.(૨૩.૩૩)

ગંભીરા બ્રિજના મેન્‍ટનન્‍સ સામે સવાલો

નિષ્‍ણાતો પ્રમાણે માનવનિર્મિત દરેક બાંધકામને નિયમિતપણે સમારકારની જરૂર પડતી જ હોય છે. પરંતુ જે પ્રકારે આ બ્રિજ તૂટી પડ્‍યો છે તે જોતાં લાગે છે કે બ્રિજ દેખરેખ અને તેની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવી હશે.

ગુજરાત સરકારમાંથી નિવળત્ત એન્‍જિનિયર બાબુભાઈ વી. હરસોડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે ગંભીરા બ્રિજનાં જે પ્રકારનાં દૃશ્‍યો જોવાં મળે છે, તે જોઈને લાગે છે કે આ બ્રિજનું સમયાંતરે ઇન્‍સ્‍પેક્‍શન અને યોગ્‍ય મેન્‍ટનન્‍સ નહીં થયું હોય.

તેમણે જણાવ્‍યું, ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તો પુલોનું સ્‍ટ્રક્‍ચરલ ઇન્‍સ્‍પેક્‍શન થવું જોઈએ. વર્ષમાં બે વખત તો ઓછામાં ઓછું ઇન્‍સ્‍પેક્‍શન થવું જ જોઈએ. તે માટેની જવાબદારી સરકારના માર્ગ અને બાંધકામ વિભાગના અધિકારીની છે. ઇન્‍સ્‍પેક્‍શનમાં જો તેમને આ બ્રિજ ભયજનક માલૂમ પડે તો તેનો વપરાશ બંધ કરવો જોઈએ, અથવા તો મોટાં વાહનો માટે આ બ્રિજ બંધ કરવો પડે. (રર.૨૬)

 

(3:06 PM IST)