દર મહિને ૧૩ લાખ પગાર : છતાં માંડ-માંડ ચાલી રહયુ છે ગુજરાન
આખા મહિનાના ખર્ચા ગણાવ્યા! ૧૩ લાખ પગારમાં પણ મૈત્રીનું પૂરું નથી પડતું : વર્ષે ૧.૬ કરોડનું છે પેકેજ : ગૂગલમાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બતાવતી મૈત્રી મંગલે જણાવ્યું કે, તેને કંપની તરફથી મોટું સેલેરી પેકેજ મળે છે, પરંતુ અહીં રહેવાનો ખર્ચો એટલો છે કે આ પૈસા પણ પૂરા પડતા નથી. ૨.૫ લાખ રૂપિયા તો ફક્ત મકાનના ભાડામાં જ ચાલ્યા જાય છે

નવી દિલ્હી, તા.૧૦: જેટલું મોટું શહેર, એટલો જ વધુ ખર્ચ. આ વાતની પુષ્ટિ ન્યૂયોર્કમાં રહેતી ભારતીય યુવતી મૈત્રી મંગલે પણ કરી છે. મૈત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ન્યૂયોર્ક જેવા શહેરમાં રહેવું કેટલું મોંઘું પડે છે. તેની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને હજારો લોકોએ તેના પર કોમેન્ટ્સ પણ કરી છે. મૈત્રી ગૂગલમાં કામ કરે છે અને સેલેરી પેકેજ લગભગ ૧.૬ કરોડ રૂપિયા છે. તેનો દાવો છે કે જો તમે મોટા શહેરમાં રહો છો, તો ૭ આંકડાનું પેકેજ પણ ઓછું પડશે.
ન્યૂયોર્કમાં પોડકાસ્ટ કરનાર કુશલ લોઢામાં સાથે મૈત્રીએ પોતાના અનુભવો શેર કર્યા. તેણે કંપની તરફથી મળતી રકમ અને અમેરિકામાં તેના ખર્ચાઓ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, કેવી રીતે આટલો પગાર પણ અહીં રહીને ખર્ચ પૂરો કરવા માટે પૂરતો નથી. જો તમે ન્યૂયોર્ક જેવા લક્ઝરી શહેરમાં રહેવા માંગતા હોવ, તો તેના માટે મોટી રકમ ખર્ચવા માટે પણ તૈયાર રહેવું પડશે. ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી મૈત્રીને ૧.૬ કરોડ રૂપિયાનું પેકેજ મળે છે.
દર મહિને કેટલા રૂપિયા મળે છે? : મૈત્રીએ આ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, ગૂગલ અમેરિકામાં રહેતા તેના સોફ્ટવેર એન્જિનિયરોને કેટલો પગાર આપે છે. તેણે જણાવ્યું કે આ પોસ્ટ માટે સરેરાશ ૧.૬ કરોડ રૂપિયાનું પેકેજ મળે છે. પરંતુ, અમેરિકામાં રહેવું સસ્તું નથી. તેના પેકેજને જો મહિનાના પગારના હિસાબે જોવામાં આવે, તો તે લગભગ દર મહિને ૧૩ લાખ રૂપિયા થાય.
દર મહિને કેટલો થાય છે ખર્ચ? : મૈત્રીએ જણાવ્યું કે, આટલા પૈસા મળવા છતાં તેનો મહિનાનો ખર્ચ માંડ-માંડ પૂરો થાય છે. તેણે કહ્યું કે, ન્યૂયોર્ક વિશ્વના સૌથી મોંઘા શહેરોમાંથી એક છે. મૈત્રીએ જે એપાર્ટમેન્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, તેનું ભાડું જ દર મહિને ૨.૫ લાખ રૂપિયા છે. દર મહિને તેના ૫ હજાર ડોલર (લગભગ ૪.૨ લાખ રૂપિયા) માત્ર જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જ ખર્ચ થઈ જાય છે. આ સિવાય રોજિંદા ખર્ચાઓ પર ૧થી ૨ હજાર ડોલર ચાલ્યા જાય છે, જે ભારતીય રૂપિયામાં ૮૬ હજારથી લઈને ૧.૭૧ લાખ રૂપિયા સુધી થાય છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તરીકે પણ લગભગ ૨૦૦ ડોલર એટલે કે ૧૭ હજાર રૂપિયાથી વધારે ખર્ચ થઈ જાય છે.
મૈત્રીની પોસ્ટ પર ઘણા યુઝર્સે પોતાના સૂચનો આપ્યા, જેમાં ખર્ચ ઘટાડવાના અને ન્યૂયોર્કમાં રહેવાના રીતો વિશે જણાવ્યું છે. મોટાભાગના લોકોએ કોમેન્ટ કરી કે ન્યૂયોર્ક જેવા શહેરમાં કમાણી અને ખર્ચ વચ્ચે બહુ ઓછો તફાવત છે, જે વિશ્વના અન્ય શહેરોની સરખામણીએ ઘણો વધારે છે. મૈત્રીએ જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૧૭.૩ લાખ ફોલોઅર્સ છે, કારણ કે તે ટેક સાથે જોડાયેલા વીડિયો પણ તેના હેન્ડલ પર શેર કરે છે.(૨૩.૩૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
