તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ભારતનો ત્રીજો નંબરનો દુશ્મન 4500KM દૂર: તુર્કીને પાઠ ભણાવવા ભારતે ગ્રીસ-સાઇપ્રસને બ્રહ્મોસ-આકાશ મિસાઈલ આપવાની તૈયારી કરી!
તુર્કીના પ્રાદેશિક હરીફોને વ્યૂહાત્મક હથિયારો પ્રદાન કરીને દબાણ બનાવવા ઉપરાંત NATO ની અંદર પણ તુર્કીની સ્થિતિને નબળી પાડવાનો ભારતનો પ્રયાસ

નવી દિલ્હી 10 જુલાઈ 2025: ભારતની 'દુશ્મન નંબર વન' પાકિસ્તાન અને 'દુશ્મન નંબર ટુ' ચીન સાથેની કડવાશ જગજાહેર છે. આ બંને દેશો હંમેશા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરતા રહ્યા છે, પરંતુ ભારતની શક્તિશાળી સેના તેમના મનસૂબા સફળ થવા દેતી નથી. જોકે, હવે ભારત એક ત્રીજા દુશ્મન દેશ તરફ વળ્યો છે, જે ભૌગોલિક રીતે ભલે 4500 કિલોમીટર દૂર હોય, પરંતુ છતાં તે ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ચીન સાથે ષડયંત્રમાં સામેલ રહ્યો છે. હવે ભારતે તેને પણ જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે, અને આ તૈયારીના માત્ર સંકેતથી જ તે દેશની હાલત કફોડી બની ગઈ છે!
ઓપરેશન સિંદૂર દરમિયાન આ દેશે પાકિસ્તાનને ભરપૂર મદદ કરી હતી. તેણે ચીનથી પણ આગળ વધીને ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હથિયારો સપ્લાય કર્યા હતા, જેનાથી આ મુલ્કનો અસલી ચહેરો સામે આવ્યો હતો.
ભારતનો 'ત્રીજો દુશ્મન': તુર્કી અને તેની દગાબાજી!
હવે તમે સમજી જ ગયા હશો કે આપણે કયા 'દુશ્મન નંબર-3' ની વાત કરી રહ્યા છીએ. જી હા, તેનું નામ છે તુર્કી. ઇસ્લામના નામે ભારત અને તેના પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મળીને તે એવી હરકતો કરી રહ્યું છે, જેનાથી તેને પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. યાદ કરો, આ એ જ તુર્કી છે જ્યારે ત્યાં ભયાનક ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારતે સૌથી પહેલા રાહત સામગ્રી મોકલી હતી. ત્યાં પહોંચનારી પ્રથમ રાહત ટીમ ભારતની હતી. ભારતે જ્યારે મિત્રતાનો હાથ લંબાવ્યો, ત્યારે તુર્કીએ ભારતની પીઠમાં છરો ભોંકવાનું ચાલુ રાખ્યું.
ભારતની આક્રમક રણનીતિ: તુર્કીને ચારેબાજુથી ઘેરવાનું ચક્રવ્યુહ!
આમ, ભારતે હવે પાકિસ્તાન અને ચીન ઉપરાંત પોતાના ત્રીજા ગુપ્ત દુશ્મન તુર્કીને પણ કૂટનીતિક અને રક્ષણાત્મક રીતે ઘેરવાની એક નવી અને આક્રમક રણનીતિ અપનાવી છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને સુરક્ષા સમીકરણોમાં ચોક્કસપણે મોટા ફેરફારો જોવા મળશે.
તુર્કીની આ દગાબાજીથી ભારત પણ હવે પોતાની કમર કસી લીધી છે. તેને પાઠ ભણાવવાની યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે ભારતે તેને ચારેબાજુથી ઘેરવાની નીતિ અપનાવી છે, જેના કારણે તુર્કી હવે બેબાકળું બન્યું છે. ભારતે ગ્રીસ, સાઇપ્રસ અને આર્મેનિયા જેવા તુર્કીના કટ્ટર હરીફ દેશો સાથે રક્ષા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તાજેતરમાં તુર્કીના મીડિયામાં એવા અહેવાલો છપાયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ખાસ કરીને ગ્રીસને લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ (LR-LACM) ની અનૌપચારિક ઓફર કરી છે. આ સમાચારોએ તુર્કીમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
ગ્રીસને LR-LACM મિસાઈલ, સાઇપ્રસને બ્રહ્મોસ અને આર્મેનિયાને આકાશ: ભારતની 'મિસાઈલ ડિપ્લોમસી'
તુર્કીના ન્યૂઝ આઉટલેટ TRHaber એ દાવો કર્યો છે કે ભારતે ગ્રીસને LR-LACM ની ઓફર કરી છે, જેની રેન્જ 1,000-1,500 કિલોમીટર છે અને તે તુર્કીની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીને પણ ચકમો આપવામાં સક્ષમ છે. આ મિસાઈલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને મે 2025 માં એથેન્સમાં એક સંરક્ષણ પ્રદર્શન દરમિયાન તેને પ્રદર્શિત પણ કરવામાં આવી હતી. ગ્રીસ, તુર્કી સાથે એજિયન સમુદ્રમાં પ્રાદેશિક વિવાદોમાં ગૂંચવાયેલું છે. આ મિસાઈલથી ગ્રીસ તુર્કીના સૈન્ય મથકો, જેમ કે ઇઝમિર અને કનાક્કલેના એરપોર્ટને નિશાન બનાવી શકે છે. તુર્કી મીડિયાએ તેને ભારત તરફથી ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને સમર્થન આપવાનો બદલો ગણાવ્યો છે.
આ ઉપરાંત, ભારતે સાઇપ્રસને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ની ઓફર કરી છે, જે તુર્કીના દરિયાઈ વર્ચસ્વને પડકારી શકે છે. વાસ્તવમાં, તુર્કી તેની 'બ્લુ હોમલેન્ડ' નીતિ પર ચાલે છે. આ હેઠળ તે એજિયન અને પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં પ્રભાવ વધારવાનો પ્રયાસ કરે છે. આના વિરુદ્ધ સાઇપ્રસ અને ગ્રીસ ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપી રહ્યા છે. આ સિવાય ભારત, આર્મેનિયાને આકાશ મિસાઈલ ડિફેન્સ પ્રણાલી અને અન્ય રક્ષા ઉપકરણોની સપ્લાયને લઈને પણ ગંભીર વાટાઘાટો કરી રહ્યું છે.
NATOમાં તુર્કીની સ્થિતિ નબળી પાડવાની પણ ભારતની રણનીતિ!
ભારત ગ્રીસ અને સાઇપ્રસ સાથે રક્ષા સહયોગને ખૂબ મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં ભારતીય વાયુસેના પ્રમુખ એપી સિંહે ગ્રીસનો પ્રવાસ કર્યો. ભારત તુર્કીના પ્રાદેશિક હરીફોને વ્યૂહાત્મક હથિયારો પ્રદાન કરીને માત્ર તુર્કી પર દબાણ જ નથી બનાવી રહ્યું, પરંતુ NATO (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) ની અંદર તુર્કીની સ્થિતિને પણ નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તુર્કી દ્વારા રશિયા પાસેથી S-400 ખરીદવાથી NATO સહયોગીઓ સાથે પહેલેથી જ તણાવ છે, અને ભારત આ સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યું છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
