News of Thursday, 10th July 2025
સમુદ્રમાં જંગની નવી તૈયારી: ચીન 95% ગ્લોબલ ઇન્ટરનેટને દાવ પર લગાવી રહ્યું છે? 4000 મીટર ઊંડે સુધી કેબલ કાપતું 'ગુપ્ત' ડિવાઇસ બનાવી દુનિયામાં ખળભળાટ મચાવ્યો!
એન્જિનિયર હૂ હાઓલોંગનના ડિવાઇસમાં 6 ઇંચનું હીરા ગ્રાઇન્ડિંગ વ્હીલ છે જે 1600 RPM (રિવોલ્યુશન પર મિનિટ) ની ઝડપે ફરે છે. 1 કિલોવોટની મોટર અને 8:1 ના ગિયર રીડ્યુસરથી પાવર

બેઇજિંગ : ચીને સમુદ્રની ઊંડાઈમાં એક અત્યંત મોટું અને ચિંતાજનક પગલું ભર્યું છે. તેમણે એક એવું અદ્યતન ડિવાઇસ બનાવવાની જાહેરાત કરી છે જે અત્યંત ઊંડાણમાં જઈને સૌથી મજબૂત અંડરસી કેબલ્સ (Undersea Cables) ને પણ કાપી શકે છે! આ ઉપકરણનું નિર્માણ ચાઇના શિપ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર (CSSRC) અને સ્ટેટ લેબોરેટરી ઓફ ડીપ સી મેન્ડ વ્હીકલ્સ એ સંયુક્ત રીતે કર્યું છે.
દુનિયામાં પ્રથમ વખત આવી જાહેરાત!
આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ખુલ્લેઆમ આવા ડિવાઇસ બનાવવાની જાહેરાત કરી છે. ચીનનું આ ડિવાઇસ વિશ્વભરના સંચાર અને સૈન્ય અભિયાનો માટે જરૂરી અંડરસી કેબલ્સને નિશાન બનાવી શકે છે. આ કેબલ્સની મદદથી દુનિયાનો 95% ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. ખંડોને જોડવા ઉપરાંત, આ કેબલ્સ મની માર્કેટ, ડિફેન્સ સિસ્ટમ અને રોજિંદી ડિજિટલ સેવાઓને સુચારુ રીતે ચલાવવામાં મદદ કરે છે.
આ 'કેબલ કટર' કેવી રીતે કામ કરે છે?
પાણીની નીચે કેબલ કાપવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને જ્યારે તેમની મજબૂતી સ્ટીલ કરતાં પણ વધુ હોય. આ સમસ્યાનો સામનો કરવા માટે એન્જિનિયર હૂ હાઓલોંગની ટીમે એક ખાસ ડિવાઇસ બનાવ્યું છે. આમાં 6 ઇંચનું હીરા ગ્રાઇન્ડિંગ વ્હીલ છે જે 1600 RPM (રિવોલ્યુશન પર મિનિટ) ની ઝડપે ફરે છે. આ મશીનમાંથી નીકળતી તાકાત સ્ટીલને પણ ચકનાચૂર કરી શકે છે અને આ દરમિયાન સમુદ્રના તળિયે કોઈ હલચલ પણ જણાશે નહીં. તેને 1 કિલોવોટના મોટર અને 8:1 ના ગિયર રીડ્યુસરથી પાવર મળે છે.
આ કટરનું નિર્માણ ખૂબ જ મુશ્કેલ જગ્યાઓ પર કામ કરવા માટે કરવામાં આવ્યું છે. તેને ટાઇટેનિયમ મિશ્ર ધાતુના ખાસ કવરમાં રાખવામાં આવ્યું છે જેમાં તેલથી ભરેલી સીલ લાગેલી છે. આ સીલ આ ડિવાઇસ પર 4,000 મીટરની ઊંડાઈએ પડતા દબાણમાં પણ ફાટવાથી બચાવે છે. આટલી ઊંડાઈમાં કંઈ દેખાતું નથી, તેથી ડિવાઇસને ચલાવવા માટે રોબોટિક હેન્ડ્સ ની મદદ લેવામાં આવે છે.
સમુદ્રમાં વધતો ખતરો અને વૈશ્વિક ચિંતા
ચીન આ કેબલ કટર સાથે એવા સમયે સામે આવ્યું છે જ્યારે સમુદ્રની નીચેના કેબલો પર ખતરો વધ્યો છે. બાલ્ટિક સાગરમાં 2023 થી અત્યાર સુધીમાં 11 વખત કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી તેમને નુકસાન પહોંચાડવાની આશંકા વધુ વધી ગઈ છે. આ ઉપકરણની મદદથી બેઇજિંગ પોતાને દરિયાઈ અભિયાનોમાં એક મોટી તાકાત તરીકે તૈયાર કરી રહ્યું છે.
આ નવા સંશોધને વિશ્વભરની સુરક્ષા સાથે સંકળાયેલા લોકોને ગંભીર ચિંતામાં મૂકી દીધા છે. શું આ 'ગુપ્ત' હથિયાર વૈશ્વિક ઇન્ટરનેટ અને સંચાર વ્યવસ્થા માટે નવો ભય ઊભો કરશે? આ પ્રશ્ન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
