<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકારની જાહેરાત

કેન્દ્ર સરકારે ૧૦૦૦ કરોડથી વધુનું ફંડ કર્યું મંજૂરઃ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બચાવ અને રાહત કામગીરી માટે ૧૦૪ એનડીઆરએફ ટીમો તૈનાત

નવી દિલ્હી, તા.૧૦

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત છ રાજ્યોને ફંડ આપવા મંજૂર આપી દીધી છે. સરકારે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે ૧,૦૬૬.૮૦ કરોડ રૃપિયાની રકમ આપવા મંજૂરી આપી દીધી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે ૨૬ રાજ્યોને કુલ ૮૧૫૪.૯૧ કરોડ રૃપિયાનું ફંડ જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ ૧,૦૬૬.૮૦ કરોડ રૃપિયાના ફંડમાંથી આસામને ૩૭૫.૬૦ કરોડ રૃપિયા, મણિપુરને ૨૯.૨૦ કરોડ રૃપિયા, મેઘાલયને ૩૦.૪૦ કરોડ રૃપિયા, મિઝોરમને ૨૨.૮૦ કરોડ રૃપિયા, કેરળને ૧૫૩.૨૦ કરોડ રૃપિયા અને ઉત્તરાખંડને ૪૫૫.૬૦ કરોડ રૃપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ ફંડ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કેન્દ્રના હિસ્તા તરીકે આપવામાં આવશે. આ વર્ષે દક્ષિમ-પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી, જેમાં અનેક રાજ્યો પ્રભાવિત થયા છે. આ વર્ષે કેન્દ્ર સરકારે કુલ ૨૬ રાજ્યોને કુલ ૮૧૫૪.૯૧ કરોડ રૃપિયાનું ફંડ આપ્યું છે. સરકારે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી ૧૪ રાજ્યોને કુલ ૬,૧૬૬ કરોડ રૃપિયા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી ૧૨ રાજ્યોને કુલ ૧,૯૮૮.૯૧ કરોડ રૃપિયાનું ફંડ પહેલેથી જ આપી દીધું છે. આ ઉપરાંત પાંચ રાજ્યોને ૭૨૫.૨૦ કરોડ રૃપિયા અને બે રાજ્યોને ૧૭.૫૫ કરોડ રૃપિયાનું ફંડ પણ આપી દેવાયું છે.

કેન્દ્ર સરકારે પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૃરી એનડીઆરએફ ટીમો, સેનાની ટીમો અને વાયુસેનાની સહાય સહિત તમામ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો છે. ચાલુ ચોમાસા દરમિયાન ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બચાવ અને રાહત કામગીરી માટે ૧૦૪ એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.

(10:18 PM IST)