News of Friday, 11th July 2025
ત્રીજા દિવસે પણ રેસ્કયુ ઓપરેશન ચાલુઃ હજી બે લોકો લાપતા
બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મળતકઆંક ૧૮ સુધી પહોંચી ગયો

વડોદરા, તા.૧૧: પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે એટલે નવમી જુલાઈના રોજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે. જોકે, હજી બે લોકો આ દુર્ઘટનામાં હજી બે લોકો લાપતા છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના ૬ સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બીજી તરફ, ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના એક એક્ઝિકયુટિવ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા છે. તો આ તપાસના ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. આ સાથે નદીમાં ફસાયેલા કેટલાક વાહનોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આજે ત્રીજા દિવસે પણ તંત્ર ખડેપગે રહી કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ગુરુવારે સઘન ઓપરેશનમાં હિટાચી મશીન, બુલડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. બે હજાર ટનના ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા. પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્નરૂપ બન્યા હતા. તેના કારણે નદીમાં કીચડનું પ્રમાણ વધ્યું હતું. ઉક્ત બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું.
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, કાદવ કીચડને કારણે હેલિકોપ્ટર જેવી હવાઈ મદદ મર્યાદિત બની હતી. આ પડકારને પહોંચી વળવા માટે, ભારતીય વાયુસેના (એરફોર્સ) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ટીમો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પુલી સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
