<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ઓડિશામાં ૪૦,૦૦૦થી વધુ મહિલાઓ ગાયબ થઈ છે : રાહુલ ગાંધી

દરરોજ મહિલાઓ પર અત્‍યાચાર થાય છે, પણ રાજ્‍ય સરકારને કોઈ ફરક પડતો નથી : મહારાષ્‍ટ્રમાં ચૂંટણી ચોરી કરવામાં આવી, એ જ રીતે બિહારની ચૂંટણી ચોરવા પ્રયાસઃ ચૂંટણી પંચ હવે ભાજપનું કામ કરી રહ્યું છેઃ બે ચૂંટણી વચ્‍ચે ૧ કરોડ નવા મતદાર આવી ગયા!

 

ભુવનેશ્વર,તા.૧૨: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી  ભુવનેશ્વરના બારામુંડા મેદાનમાં આયોજિત વિશાળ રેલી ‘બંધારણ બચાવો સમાવેશ'ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો હતો કે ઓડિશામાં ૪૦,૦૦૦થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે અને આજે સુધી ખબર નથી પડી કે આ મહિલાઓ કયાં ગઈ. તેમણે આરોપ લગાવ્‍યો કે ઓડિશામાં દરરોજ મહિલાઓ પર અત્‍યાચાર થાય છે, પણ રાજ્‍ય સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગાંધીએ કહ્યું હતું કે ઓડિશા સરકારનું એકમાત્ર કામ એ છે કે ગરીબોની પાસેનું ઓડિશાનું ધન ચોરી લેવું. પહેલાં બીજેડી સરકારે એવું કર્યું અને હવે બીજેપી સરકાર એ જ કરી રહી છે. એક તરફ છે ઓડિશાની ગરીબ જનતા દલિત, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂત અને મજૂર અને બીજી તરફ છે ૫-૬ અબજપતિઓ અને બીજેપી સરકાર. આ લડાઈ ચાલુ છે. માત્ર કોંગ્રેસના કાર્યકરો અને ઓડિશાની જનતા મળીને આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહિ.

કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્‍યો હતો કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યો છે. જેમ મહારાષ્‍ટ્રમાં ચૂંટણી ચોરી કરવામાં આવી, એ જ રીતે હવે બિહારની ચૂંટણી પણ ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી ચોરી માટે ચૂંટણી પંચે નવું ષડયંત્ર શરૂ કર્યું છે. ચૂંટણી પંચ હવે પોતાનું કામ નહિ પરંતુ ભાજપનું કામ કરી રહ્યું છે. મહારાષ્‍ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્‍ચે એક કરોડ નવા મતદારો આવી ગયા, પણ આજે સુધી કોઈને ખબર નથી કે આ મતદારો કોણ છે અને કયાંથી આવ્‍યા. અમે ચૂંટણી પંચને વારંવાર કહ્યું કે અમને મતદાર યાદી આપો, વિડિયો આપો, પણ આજે સુધી કંઇ મળ્‍યું નથી. હવે એ લોકો બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે, પણ અમે એ થવા નહીં દઈએ.(૪૦.૮)

(10:13 AM IST)