<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th July 2025

સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના રેકિંગ જાહેર: અમદાવાદ શહેર પ્રથમ નંબરે: ગુરુવારે રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત થશે

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સુપર ક્લીનનેસ લીગ’ નામની એક અલગ કેટેગરી બનાવી જેમાં પાછલા વર્ષોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા 12 શહેરોનો સમાવેશ કરાયો

નવી દિલ્હી : ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના રેકિંગ જાહેર કર્યા છે. જેમાં દેશના ટોપ ત્રણ શહેરોમાં અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલનો બીજો નંબર આવ્યો છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના લખનઉએ 44મા સ્થાનેથી કૂદકો મારીને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં 17 જુલાઈએ આયોજિત થનારા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

  

સ્વચ્છ સર્વેક્ષણ 2024માં અમદાવાદને પ્રથમ ક્રમ આપવામાં આવે તો પણ તે દેશનું સૌથી સ્વચ્છ શહેર નહીં હોય, કેમ કે આ સર્વેમાં ઇન્દોર અને સુરત જેવા છેલ્લા ઘણાં સમયથી ટોચ પર રહેતા સ્વચ્છ શહેરો સ્પર્ધામાં ન હતાં.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સુપર ક્લીનનેસ લીગ’ નામની એક અલગ કેટેગરી બનાવી છે. જેમાં પાછલા વર્ષોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લીગમાં વધુ 3 શહેરો ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી કુલ શહેરોની સંખ્યા 15 થઈ ગઈ છે.

  ‘સુપર ક્લીનનેસ લીગ’માં ઇન્દોર, સુરત, નવી મુંબઈ જેવા ટોપ ક્લીન અન્યનો સમાવેશ થાય છે, તેનું મૂલ્યાંકન અલગથી કરવામાં આવશે, જેથી આ શહેરોમાં વધુ સારી સ્વચ્છતા માટે સ્પર્ધા થઇ શકે. 

3 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદ આવેલા અમિતભાઈ  શાહે કહ્યું હતું કે અમદાવાદના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલા નંબરે આવે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે AMCએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પૂરો કરવાનો આપણે સંકલ્પ કર્યા અને ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલા નંબરે આવે એવો સંકલ્પ કરીએ.  

(10:27 PM IST)