News of Monday, 14th July 2025
અમેરિકામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી : શ્રી સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા ૩૨મા વાર્ષિકોત્સવ નિમિત્તે ૯૨મા સંતરામ સત્સંગનું આયોજન!
૨૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ખાતે શ્રી વિષ્ણુસહસ્ત્રનામ અને સંતરામ સ્તોત્રમથી થશે પ્રારંભ : નડિયાદથી પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજશ્રીના ટેલિફોનિક શુભાશીર્વાદ અને પંડ્યા પરિવાર દ્વારા ભજન-સંગીતનો કાર્યક્રમ યોજાશે

(દીપતિબેન જાની દ્વારા) ન્યુજર્સી : ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રસાર અર્થે કાર્યરત શ્રી સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે બત્રીસમા વાર્ષિકોત્સવ તથા સંતરામ સત્સંગ નં. - ૯૨ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર સંતરામ ભક્ત સમાજને એકસાથે આધ્યાત્મિક આનંદનો અનુભવ થશે.
૨૦ જુલાઈ, ૨૦૨૫, રવિવાર ના રોજ ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલના ઑડિટોરિયમ (Door-8), 4209 County Route 516, Matawan, NJ 07747 ખાતે આ સત્સંગ યોજાશે. સત્સંગનો સમય સવારના ૧૧:૩૦ થી સાંજના ૭:૦૦ કલાક સુધીનો રહેશે.
આ સત્સંગ બ્રહ્મલીન અષ્ટમ મહંત પ. પૂ. શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાતઃસ્મરણીય પ. પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશીર્વાદ સહ યોજાઈ રહ્યો છે. વિશેષ રૂપે, આ સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃસ્મરણીય પ. પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશીર્વાદ પ્રાપ્ત થશે, જે ભક્તો માટે એક અનોખો લહાવો બની રહેશે.
સત્સંગની શુભ શરૂઆત શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમ અને શ્રી સંતરામ સ્તોત્રમ પાઠ ના સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવશે, જે વાતાવરણને ભક્તિમય બનાવશે. આ ઉપરાંત, રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન-સંગીતનો કાર્યક્રમ તેમજ સંતરામના પદો-ભજનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે.
સત્સંગની પૂર્ણાહૂતિ બાદ સમસ્ત ભક્તગણ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રી સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા દરેક ભક્તોને ગુરુપૂર્ણિમા સંતરામ સત્સંગમાં સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અન્ય મહત્વપૂર્ણ જાણકારી:
શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છઠ્ઠીનું કાપડ, કંઠી અને સાહિત્ય પ્રકાશનનો લાભ લેવા માટે (732) 906 - 0792 પર સંપર્ક કરી શકાય છે. સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો કે ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી, જેની સર્વે હરિભક્તોએ નોંધ લેવા વિનંતી છે.
આગામી Tentative Date for Year 2025:
* નવેમ્બર ૧, ૨૦૨૫, શનિવાર: હિવણી સત્સંગ - Old Bridge High School, NJ
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
