News of Tuesday, 15th July 2025
૨૦ દિવસમાં અમેરિકાથી ૧૦૦થી વધુ ગુજરાતીઓ ડિપોર્ટ થયાં ?
અમેરિકાથી ઉપરાછાપરી પાંચ ડિપોર્ર્ટેશન ફ્લાઈટ ઈન્ડિયા આવી હોવાની ચર્ચા, બોર્ડર પરથી પકડાયેલા લોકોને હવે ધડાધડ ડિપોર્ટ કરાઈ રહ્યાં છે

અમદાવાદ તા.૧૫: અમેરિકાથી છેલ્લા વીસેક દિવસમાં જ ૧૦૦થી વધુ ગુજરાતીઓ ડિપોર્ટ કરાયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે, અગાઉ જૂન ૨૬ના રોજ એક ડિપોર્ટેશન ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ હોવાની માહિતી મળી હતી જેમાં ૨૦-૨૨ જેટલાં ગુજરાતીઓને પાછા મોકલવામાં આવ્યાં હતાં. જોકે, સૂત્રોનું માનીએ તો છેલ્લા વીસેક દિવસમાં જ આવી એક નહીં પણ ઓછામાં ઓછી પાંચ ડિપોર્ટેશન ફ્લાઈટ અમેરિકાથી આવી છે અને પ્રત્યેક ફ્લાઈટમાં ૨૦૦થી વધુ પેસેન્જર્સ હતા અને તેમાંય ઓછામાં ઓછા ૧૦૦ જેટલાં ગુજરાતીઓ હતા.
યુએસથી આવતી ડિપોર્ટેશન ફ્લાઈટ્સના મામલે ભારત સરકાર તો ચૂપ છે જ, પરંતુ સાથે જ અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટી પણ તેની કોઈ જ માહિતી જાહેર નથી કરી રહ્યું. જૂન ૨૬ના રોજ જે ફ્લાઈટ ઈન્ડિયા આવી હતી
આ મામલે એક સૂત્રએ એવું પણ જણાવ્યું હતું કે ટ્રમ્પના આવ્યા બાદ અને તે પહેલા મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલા જેટલા પણ ગુજરાતીઓ જેલમાં છે તે તમામને આગામી દિવસોમાં પાછા મોકલવામાં આવશે, મતલબ કે ડિપોર્ટેશન ફ્લાઈટ્સ સતત આવતી રહેશે પરંતુ હવે તેની કોઈ ઓફિશિયલ માહિતી મીડિયા સાથે શેર કરવામાં નહીં આવે.
તાજેતરમાં અમેરિકાથી આવેલી ડિપોર્ટેશન ફ્લાઈટ્સમાં જે ગુજરાતીઓ પાછા આવ્યા છે તેમાંના મોટાભાગનાં ઉત્તર ગુજરાતના છે, આ તમામ લોકોને ડિપોર્ટેશન લેટર સાથે પાછા મોકલાયા છે અને સાથે જ અમેરિકાએ તેમના પર ૧૦ વર્ષનો એન્ટ્રી બેન પણ લગાવી દીધો છે. આ લોકો તુર્કી, યુરોપ અને બ્રાઝિલવાળી લાઈનથી અમેરિકા પહોંચ્યા હતા અને મેક્સિકો બોર્ડર પરથી પકડાયા હતા.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે પાછા મોકલાયેલા તમામ લોકો બોર્ડર પરથી પકડાયેલા હતા, મતલબ કે અમેરિકાની અંદરથી અરેસ્ટ થયા હોય તેવા એકેય ગુજરાતીને આ ડિપોર્ટેશન ફ્લાઈટમાં નથી મોકલાયો, પરંતુ ડિપોર્ટેશન ફ્લાઈટ સિવાય અલગ-અલગ ફ્લાઈટ્સમાં પણ એકલ-દોકલ લોકોને ડિપોર્ટ કરાઈ જ રહ્યા છે.
જૂન ૨૬ના રોજ જે ફ્લાઈટ ઈન્ડિયા આવી હતી તે ટેક્સસથી ટેક-ઓફ થઈ હતી, તેમાં સવાર એક ગુજરાતીના દાવા અનુસાર તમામ લોકોને હાથ-પગમાં બેડી પહેરાવીને ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્રણ વાર જે ફુડ અપાયું હતું તે પણ નોન-વેજ હતું. આ ફ્લાઈટને ઈન્ડિયા પહોંચવામાં એકાદ બે કલાકની વાર હતી ત્યારે તમામ લોકોની બેડી કાઢવામાં આવી હતી. તેવી જ રીતે હરિયાણાના એક યુવકને જે રિમૂવલ ફ્લાઈટમાં મોકલાયો હતો તે લ્યૂઝિયાનાથી ટેક-ઓફ થઈ હતી.
હાલના દિવસોમાં જે લોકો અમેરિકાથી ડિપોર્ટ થઈ રહ્યા છે તે મોટાભાગે છેલ્લા આઠ-દસ મહિનાથી કે તેનાથી પણ વધુ સમયથી જેલમાં બંધ હતાં, ટ્રમ્પના આવ્યા બાદ જેટલા પણ લોકો મેક્સિકો બોર્ડર પરથી પકડાયા છે તેમાંથી ગણતરીના લોકોને જ જેલમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે, જે લોકોને રિલીઝ કરાયા છે તેમને પણ અમેરિકાએ એવી બુદ્ધિ વાપરીને છોડ્યા છે કે તેઓ અમેરિકામાં વધારે સમય ટકી જ ના શકે.
હાલમાં જ અમેરિકાથી પાછા આવેલા એક ગુજરાતીએ આ અંગે જણાવ્યું હતું કે જે કપલ્સ મેક્સિકો બોર્ડર પરથી પકડાયાં હતાં તેમાં કોઈ કેસમાં પતિને તો કોઈ કેસમાં પત્નીને જ રિલીઝ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત પતિ-પત્નીને અલગ-અલગ જેલોમાં પણ રાખવામાં આવે છે. જો સાથે અમેરિકા ગયેલાં કપલમાંથી એક જ વ્યક્તિ જેલમાંથી છૂટે અને બીજાને ડિપોર્ટ કરી દેવાય તો સ્વાભાવિક છે કે જેને રિલીઝ કરાયો છે તે પણ લાંબો સમય યુએસમાં નહીં કાઢી શકે, અને હાલના દિવસોમાં કંઈક આવું જ થઈ રહ્યું છે.
જેટલા ગુજરાતીઓ હાલ અમેરિકા પહોંચી રહ્યા છે તેનાથી કદાચ વધારે પાછા આવી રહ્યા હોવાથી એજન્ટો ટેન્શનમાં આવી ગયા છે, જૂન મહિનામાં જ ૧૦૦ જેટલા ગુજરાતીઓ પાછા આવ્યા હોવાને કારણે એજન્ટોને પંદરેક કરોડ રૂપિયાનું નુક્સાન ગયું હોવાની પણ શકયતા છે. પેસેન્જર જેટલો દૂરથી અને જેટલા દિવસો પછી પાછો આવે તે પ્રમાણે એજન્ટને થતું નુક્સાન પણ વધુ રહે છે.(૩૮.૨)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
