હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માંગરોળ પુલ દુર્ઘટના અંગે મોટો ખુલાસો : 'તૂટ્યો નથી, સલામતી માટે તોડવામાં આવ્યો છે' – કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલે કરી સ્પષ્ટતા!
સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડ્યો, કોઈ જાનહાનિ કે ઈજા નહીં : કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જર્જરિત પુલોના નિરીક્ષણ અને ત્વરિત સમારકામની કામગીરી પર ભાર મૂક્યો

વિનુ જોશી દ્વારા, જુનાગઢ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૫ (મંગળવાર): જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક-આંત્રોલી ગામ વચ્ચે આવેલા પુલના 'ધરાશાયી' થવાના બનાવ અંગે આજે એક મોટી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. અગાઉ એવી માહિતી વહેતી થઈ હતી કે પુલ તૂટી પડ્યો છે, પરંતુ હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પરંતુ સલામતીના ભાગરૂપે તેને તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેનો એક ભાગ નીચે પડ્યો છે.
કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલની સ્પષ્ટતા:
જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી રાજ્યભરમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને માર્ગોના રિપેરિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જ માંગરોળ નજીકનો આજક-આંત્રોલી વચ્ચેનો પુલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાતા, તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઈજનેર ગોહિલે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી.
કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાનો સુર:
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. તેમણે પણ પુનરોચ્ચાર કર્યો કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તેને તોડવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અન્ય અધિકારીઓની ટીમ માંગરોળ તેમજ જિલ્લાના અન્ય પુલોના નિરીક્ષણ માટે તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ હતી. આ સ્પષ્ટતા બાદ અગાઉ પુલ તૂટ્યો હોવાની વાયરલ થયેલી માહિતી અંગેનું ધુમ્મસ દૂર થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
