News of Tuesday, 15th July 2025
૮૯ ટકા ફલેટ-મકાન ‘ઘરજમાઈ': બિલ્ડરોને વેંચવામાં મુશ્કેલી
ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે અને ૨૦૨૪-૨૫માં પણ તે કોવિડ પહેલાના લેવલ સુધી પહોંચી શકયું નથી : ગુજરાત રેરાએ રિપોર્ટ જાહેર કર્યોઃ રિપોર્ટમાં રિયલ્ટી માર્કેટનું ભયાનક ચિત્ર સામે આવ્યું: ૨૦૧૭-૧૮માં જ્યાં ૧૯૮૧ પ્રોજેક્ટસની તુલનામાં આ વખતે ફક્ત ૩૬ પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે

અમદાવાદ, તા.૧૫: ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે અને ૨૦૨૪-૨૫માં પણ તે કોવિડ પહેલાના લેવલ સુધી પહોંચી શકયું નથી. તેમાં પણ રેસિડેન્શિયલ માર્કેટની હાલત સૌથી વધારે ખરાબ છે અને બિલ્ડર્સને ફ્લેટ વેચવામાં આંખે અંધારા આવી રહ્યા છે, જેને લીધે ૮૯ ટકા ઈન્વેન્ટરી વેચાયા વગરની પડી રહી છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાનો દર વાર્ષિક ધોરણે બે ટકા ઘટી ગયો છે.
ગુજરાત રેરાએ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ લેટેસ્ટ રિપોર્ટમાં રિયલ્ટી માર્કેટનું ભયાનક ચિત્ર સામે આવ્યું છે. ૨૦૧૭-૧૮માં જ્યાં ૧૯૮૧ પ્રોજેક્ટ્સની તુલનામાં આ વખતે ફક્ત ૩૬ પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે. ગુજરાતમાં પ્રોજેક્ટ પૂરા થવાનો રેટ તેની ટોચ પરથી તળીયા પર આવી ગયો છે. ૨૦૧૭-૧૮માં પ્રોજેક્ટ પૂરો થવાનો રેટ ૯૦ ટકા હતો જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૮૨ ટકા પર પહોંચી ગયો હતો, અને ૨૦૧૯-૨૦માં તે ઘટીને ૮૦ ટકા પર આવી ગયો હતો. આ રેટ સતત ઘટતો રહ્યો છે અને ૨૦૨૦-૨૧માં આ રેટ ઘટીને ૭૪ અને ૨૦૨૧-૨૨માં ૫૬ ટકા પર આવી ગયો હતો. પરંતુ ૨૦૨૨-૨૩માં તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ૨૭ ટકા પર આવી ગયો હતો, અને ૨૦૨૩-૨૪માં તે ૧૦ ટકા પર પહોંચી ગયો છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું કુલ સંખ્યા પણ સતત ઘટી રહી છે. ૨૦૧૭-૧૮માં ૧૯૮૧ પ્રોજેક્ટ પૂરા થયા હતા અને ૨૦૧૮-૧૯માં તેમાં ઉછાળો આવ્યો હતો અને તે સંખ્યા ૨૪૦૯ પર પહોંચી હતી. જોકે, ત્યારબાદ તેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ૨૦૧૯-૨૦માં તે ઘટીને ૧૩૮૦ પર પહોંચી ગયા હતા. જ્યારે ૨૦૨૦-૨૧માં ૯૮૩ તથા ૨૦૨૧-૨૨માં ૯૪૬ અને ૨૦૨૨-૨૩માં ૪૯૯ -ોજેક્ટ પૂર્ણ થયા હતા. ૨૦૨૩-૨૪માં પૂર્ણ થયેલા પ્રોજેક્ટની સંખ્યા ૧૬૬ પર આવી ગઈ હતી.
ગુજરેરાના ડેટામાં પણ સાત વર્ષમાં એકંદર પ્રોજેક્ટ ખર્ચમાં ઘટાડો થયો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ૨૦૧૭-૧૮માં ઈન્વેસ્ટમેન્ટ ૮૩,૯૬૩ કરોડ રૂપિયાથી ઘટીને ૨૦૨૪-૨૫માં ૭૮,૯૪૪ કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળામાં આ પ્રોજેક્ટ્સમાં કુલ યુનિટ્સની સંખ્યા ૩.૨૩ લાખથી ઘટીને લગભગ ૧.૯૯ લાખ યુનિટ્સ થઈ ગઈ છે.
હાલમાં મોંઘવારી વધી છે અને લોકોની સેલેરી સ્થિર થઈ ગઈ છે, તથા રો-મટિરિયલ્સની કિંમતોમાં વધારો થવાથી ઘરની કિંમતો વધી ગઈ છે. જેને લીધે ઘર ખરીદવું મધ્યમ વર્ગના લોકોના ગજાની બહાર થઈ ગયું છે. બીજી તરફ વૈશ્વિક ઈકોનોમીમાં પણ અનિヘતિતા છે જેને લીધે ઘણા લોકો લોન લેવાનું જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ બધા કારણોને લીધે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વેચાયા વગરનો હાઉસિંગ પૂરવઠો વધી ગયો છે, અને ૨૦૨૪-૨૫માં તે ૮૯ ટકા પર પહોંચી ગયો છે.
૨૦૧૭-૧૮માં ૩.૨૩ લાખ રેજિસ્ટર્ડ યુનિટ હતા અને તેમાંથી ૨.૨૯ લાખ એટલે કે ૭૦ ટકા યુનિટ વેચાયા હતા, જ્યારે ૯૪,૦૦૦ યુનિટ વેચાયા વગરના પડી રહ્યા હતા. આ પરિસ્થિતિ સતત વકરી રહી છે અને ૨૦૨૪-૨૫માં અંદાજીત ૧.૯૯ લાખ યુનિટમાંથી ફક્ત ૨૨,૦૦૦ એટલે કે ૧૧ ટકા જ યુનિટ વેચાયા છે જ્યારે ૧.૭૭ લાખ યુનિટ એટલે કે ૮૯ ટકા યુનિટને ખરીદારો મળી રહ્યા નથી.
જોકે, ક્રેડાઈ સેક્રેટરી નિલય પટેલે અંગ્રેજી દૈનિક અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, રિયલ્ટી પ્રોજેક્ટ પૂરા થવાની સંખ્યા ઘટી છે તેનું કારણ કે હાલમાં લેબર મળી રહ્યા નથી. જ્યારે વેચાયા વગરની ઈન્વેન્ટરીનો સવાલ છે તો તેનું એક મુખ્ય કારણ એ છે કે રેડી-ટૂ-મૂવ પ્રોપર્ટીની ડિમાન્ડમાં વધારો થયો છે, એટલે કે લોકો પૂરા થયેલા પ્રોજેક્ટમાં જ આવવાનું પસંદ કરી રહ્યા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
