<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સુરેન્દ્રનગરના સિરામિક હબમાંથી અધધધ એક કરોડનો દારૂ ઝડપાયો : થાનગઢ બાયપાસ પરથી 21,792 વિદેશી દારૂની બોટલ સહિત ₹1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત : 8 આરોપીઓ ઝડપાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી : બે વાહનો, 7 મોબાઈલ અને રોકડ રકમ પણ કબ્જે કરાઈ : મુખ્ય સૂત્રધાર સહિત 7 વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ : ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો સખત અમલ!

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક હબ તરીકે ઓળખાતા થાનગઢ નજીક બાયપાસ રોડ પર આવેલા સુપ્રીમ સિરામિક ફેક્ટરી પાસે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરતા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને થાનગઢ પોલીસે સંયુક્ત રીતે કરેલી દરોડાની કાર્યવાહીમાં ૨૧,૭૯૨ વિદેશી દારૂની બોટલ મળી આવી છે, જેની બજાર કિંમત આશરે ₹99,97,920/- આંકવામાં આવી છે. આ દરોડામાં કુલ ₹1,35,94,420/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં બે વાહન (₹35,00,000/-), સાત મોબાઈલ ફોન (₹95,000/-) અને ₹41,500/- રોકડાનો સમાવેશ થાય છે.
આ પ્રકરણમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અશોકભાઈ દાદુભાઈ ધાંધલ (થાનગઢ), વિશ્વજીતભાઈ ભરતભાઈ ખાચર (વેલાલા, થાનગઢ), હુકમારામ હરખા રામ સારણ (ડ્રાઈવર, અરતા, બાડમેર-રાજસ્થાન), રાહુલ રણજીતભાઈ ડાભી (ઉમરડા, મુળી- મજૂર), ખેંગાર સિંધાભાઈ મુંધવા (ઉમરડા, મુળી- મજૂર), રાહુલ રમેશભાઈ ઉધારેજા (વેરાવદર, ધ્રાંગધ્રા- મજૂર), વાસુદેવ રઘુભાઈ શ્રાવણ (ઉમરડા, મુળી- મજૂર) અને કનુભાઈ મહાદેવભાઈ રૂડતાલા (ઉમરડા, મુળી- મજૂર) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રવિભાઈ ઉર્ફે ટીડો ધાંધલ (સુડામાડા, સાયલા - મુખ્ય સૂત્રધાર અને IMFL રીસીવર), ઉદયભાઈ દડભાઈ (કાદમાડ - મુખ્ય સૂત્રધાર અને IMFL રીસીવર), બોલેરો મેક્સી પ્લસ (રજીસ્ટ્રેશન નંબર GJ 01 JT 8753) નો માલિક, ટ્રક (રજીસ્ટ્રેશન નંબર RJ 23 GD 7239) નો માલિક, સુરેન્દર સિંહ સુરાસા જાટ (રાજસ્થાન - IMFL મોકલનાર), ગોપાલભાઈ કામાભાઈ ખંભાળા (ઉમરડા, મુળી) અને હુકમારામને ભરેલો ટ્રક સોંપનાર અજાણ્યો વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ દરોડો PSI વી.એન. જાડેજા, SMC દ્વારા કરવામાં આવ્યો હતો અને આ કેસ પ્રોહિબિશન એક્ટની કલમ 65 (A)(E), 116(b), 81, 83, 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 111(2)(B), 111(3), 111(4), 336(2), 336(3), 340(2), 238 હેઠળ નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા રાજ્યમાં દારૂબંધીના કાયદાના સખત અમલીકરણની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ છે. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

 

(7:54 PM IST)