તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 16th July 2025
જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કાયદો લાવો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી, તા.૧૬: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સરકારને વિનંતી કરી કે તેઓ સંસદના ચોમાસુ સત્રમાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કાયદો લાવે. તેમણે સરકાર પાસે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા માટે કાયદો લાવવાની પણ માંગ કરી.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું, ‘અમે સરકારને સંસદના આગામી ચોમાસુ સત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે એક બિલ લાવવાનો આગ્રહ કરીએ છીએ.' આ ઉપરાંત, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા માટે એક બિલ પણ લાવે.
તેમણે પત્રમાં લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી, છેલ્લા પાંચ વર્ષથી જમ્મુ અને કાશ્મીરના લોકો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ માંગણી માત્ર કાયદેસર જ નથી પણ તેમનો બંધારણીય અને લોકશાહી અધિકાર પણ છે. એ સમજવું અગત્યનું છે કે ભૂતકાળમાં કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હોવાના કિસ્સાઓ બન્યા છે, પરંતુ સ્વતંત્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીરનો કિસ્સો અનોખો છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પૂર્ણ રાજ્યના વિભાજન પછી તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
પત્રમાં આગળ લખ્યું હતું કે, તમે પોતે અનેક વખત રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી છે. ૧૯ મે, ૨૦૨૪ ના રોજ ભુવનેશ્વરમાં આપેલા તમારા ઇન્ટરવ્યુમાં, તમે કહ્યું હતું કે રાજ્યની પુનઃસ્થાપના એ અમારું વચન છે. અમે આના પર અડગ છીએ. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ શ્રીનગરમાં એક રેલીને સંબોધતી વખતે, તમે ફરીથી પુનરાવર્તન કર્યું હતું કે અમે સંસદમાં કહ્યું છે કે અમે પ્રદેશને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરીશું. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પણ કલમ ૩૭૦ ના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી જ ખાતરી આપી હતી, જેમાં કહ્યું હતું કે રાજ્યનો દરજ્જો શકય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
રાહુલ અને ખડગેએ પત્રમાં લખ્યું છે કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે સંસદના આગામી ચોમાસુ સત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે એક બિલ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત, અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે તે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા માટે એક બિલ પણ લાવે. લદ્દાખના લોકોની સાંસ્કળતિક, વિકાસલક્ષી અને રાજકીય આકાંક્ષાઓને પૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. આ સાથે તે તેમના અધિકારો, જમીન અને ઓળખનું પણ રક્ષણ કરશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
