<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

અમેરિકાના 'ટેરિફ પ્રેશર' સામે ભારત નહીં ઝૂકે: જ્યાંથી સસ્તું મળશે ત્યાંથી જ ખરીદીશું તેલ!: વડાપ્રધાનની પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોનું કલ્યાણ

ભારતે કરી ઊર્જા બજારમાં 16 ટકા વૃદ્ધિ અને આગામી 20 વર્ષમાં તે 25 ટકા સુધી પહોંચી શકે છે. મક્કમ વલણ સ્વતંત્ર વિદેશ નીતિ અને આર્થિક હિતોનું પ્રતિબિંબ

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની સંભાવના વચ્ચે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની ખરીદીને લઈને ભારતનું સ્પષ્ટ વલણ સામે આવ્યું છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, તે અમેરિકાના દબાણમાં આવીને કોઈ નિર્ણય નહીં લે, ખાસ કરીને જ્યારે તેનો બોજ ભારતના સામાન્ય લોકો પર પડતો હોય.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતને જ્યાંથી પણ યોગ્ય ભાવે તેલ મળશે, તે ત્યાંથી જ ખરીદી કરશે, કારણ કે વડાપ્રધાનની પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોનું કલ્યાણ છે.

અમેરિકાનું દબાણ અને ભારતનો જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયા પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રશિયાની તમામ વસ્તુઓ પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેમાં તેલ પણ સામેલ છે. ટ્રમ્પે રશિયાને યુદ્ધ રોકવા માટે 50 દિવસનો સમય આપ્યો છે અને કહ્યું છે કે જો તે નહીં માને તો આ ટેક્સ લગાવવામાં આવશે.

જો રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો પર 'સેકન્ડરી ટેક્સ' (ગૌણ કર) લગાવવામાં આવે તો ભારત માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે વર્તમાનમાં ભારત તેની કુલ તેલ જરૂરિયાતનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો રશિયામાંથી પૂરો કરે છે. યુદ્ધ પહેલાં આ હિસ્સો એક ટકા કરતાં પણ ઓછો હતો.

આ અંગે હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે, ભારત પર આ ધમકીની કોઈ અસર નહીં થાય, કારણ કે દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં તેલ ખરીદવા માટે એક ખાસ રણનીતિ અપનાવી છે. તેમણે જણાવ્યું કે, ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી તેલની ખરીદી ચોક્કસ વધારી છે, પરંતુ તેની સાથે-સાથે અન્ય દેશો પાસેથી પણ તેલ ખરીદી ચાલુ રાખી છે. પહેલા ભારત માત્ર 27 દેશોમાંથી તેલ ખરીદતું હતું, પરંતુ હવે આ સંખ્યા ઘટાડીને મુખ્યત્વે 4 દેશો સુધી સીમિત કરવામાં આવી છે, જેથી સ્થિરતા જળવાઈ રહે અને કોઈ એક દેશ પર નિર્ભરતા ન રહે.

'રશિયાને તેલ બજારમાંથી બહાર કરવું મુશ્કેલ'
પુરીએ એમ પણ કહ્યું કે, રશિયાને સંપૂર્ણપણે તેલ બજારમાંથી બહાર કરવું સહેલું નહીં હોય, કારણ કે તે વિશ્વના કુલ વપરાશનો 10 ટકા પુરવઠો પૂરો પાડે છે. જો આ હિસ્સો દૂર કરવામાં આવે, તો શિયાળામાં લોકોને હીટિંગ અને ઉનાળામાં એર કન્ડીશનીંગની સમસ્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો બાકીના 90 ટકામાંથી જ આખી દુનિયાને તેલ ખરીદવું પડશે, તો કિંમતો ઝડપથી વધશે. જો ભારત જુદા જુદા સ્રોતોમાંથી તેલ ખરીદે છે, તો તે એક જવાબદાર અને સમજદારીભર્યો નિર્ણય છે.

વધુમાં, જો ટ્રમ્પની ધમકી લાગુ પડે અને ભારત પર પણ સેકન્ડરી ટેક્સ લગાવવામાં આવે, તો માત્ર તેલની આયાત મોંઘી નહીં થાય, પરંતુ ભારતના અન્ય ઉત્પાદનોની નિકાસ પર પણ અસર પડી શકે છે. આનાથી ભારતીય રિફાઈનરીઓને રશિયાને બદલે પશ્ચિમ એશિયા અને બ્રાઝિલ જેવા નવા દેશો તરફ વળવું પડશે, પરંતુ ત્યાંથી તેલ મોંઘા ભાવે મળશે. સરકારે આ સ્થિતિને પારખીને પહેલેથી જ બે મુખ્ય પશ્ચિમ એશિયાઈ તેલ ઉત્પાદક દેશો સાથે વધારાની તેલ સપ્લાય અંગે ચર્ચા કરી રહી છે જેથી પુરવઠાની કોઈ સમસ્યા ન થાય.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીનું માનવું છે કે, વિશ્વની ઊર્જા જરૂરિયાતોમાં સૌથી મોટો ફાળો ભારતમાંથી આવશે, કારણ કે છેલ્લા 10-11 વર્ષોમાં ભારતે ઊર્જા બજારમાં 16 ટકા વૃદ્ધિ કરી છે અને આગામી 20 વર્ષમાં આ હિસ્સો 25 ટકા સુધી પહોંચી શકે છે. ભારતનું આ મક્કમ વલણ તેની સ્વતંત્ર વિદેશ નીતિ અને આર્થિક હિતોનું પ્રતિબિંબ પાડે છે.

 

(6:27 PM IST)