News of Thursday, 17th July 2025
દેવભૂમિ દ્વારકામાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમેં ફોડ્યો રાજકીય 'બૉમ્બ' : કહ્યું - 'હું હવે ચૂંટણી નહીં લડું' : જાહેરમાં જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ!
કલ્યાણપુરના સાની ડેમ ખાતેના પદગ્રહણ સમારોહમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે આપ્યું ચોંકાવનારું નિવેદન : જનતા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું - 'પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા પાંચ મત ન આપે તો ક્યાં સુધી લડી શકો? હવે હું સુધરી ગયો છું...'

દ્વારકા : ગુજરાત કોંગ્રેસના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકીય વર્તુળોમાં એક દિગ્ગજ નેતાના નિવેદનથી ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ સાંસદ અને પ્રદેશના મજબૂત ગણાતા નેતા વિક્રમ માડમે ભવિષ્યમાં ચૂંટણી નહીં લડવાની ચોંકાવનારી જાહેરાત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
આ ઘટના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમ ખાતે યોજાયેલા એક પ્રમુખના પદગ્રહણ સમારોહ દરમિયાન બની હતી. આ સમારોહમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓ સાથે વિક્રમ માડમે પણ હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે આપેલો રાજકીય નિવેદન બોમ્બ સાબિત થયો હતો.
વિક્રમ માડમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જનતાને જે સમજવું હોય એ સમજે, હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી."
તેમણે પોતાના નિવેદનમાં વધુમાં ઉમેર્યું કે, "હું મીડિયાના માધ્યમથી કહું છું કે, હવે હું ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. ક્યાં સુધી બીજું કોઈ આવીને લડી દેશે? પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા પાંચ મત ન આપે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરવું પડે. ને હવે હું સુધરી ગયો છું..."
વિક્રમ માડમનું આ નિવેદન રાજકીય નિરીક્ષકો માટે આઘાતજનક છે, કારણ કે તેઓ કોંગ્રેસના એક એવા ચહેરા રહ્યા છે જેમના પર પક્ષ દ્વારા ભરોસો મૂકવામાં આવતો હતો. તેમના નિવેદનમાં છલકાતી નારાજગી અને હતાશા દર્શાવે છે કે, કદાચ જનતાના સમર્થનનો અભાવ તેમને આ કઠોર નિર્ણય લેવા માટે પ્રેરી ગયો છે. તેમના આ પગલાથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કોંગ્રેસના ભવિષ્યની રાજકીય રણનીતિ પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે. આ જાહેરાત બાદ રાજ્યના રાજકારણમાં તેની લાંબાગાળાની અસરોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
