News of Friday, 18th July 2025
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ૭૦ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી : કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણે અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થવાની કરી ઘોષણા!
યુનિવર્સિટી ભવનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો, અતિથિ ભવન, કોમ્પ્યુટર લેબ સહિત ₹૧૨.૯૭ કરોડના કાર્યોને મંજૂરી : ₹૯.૮૪ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ ભવન, તેમજ ₹૪૮ કરોડથી વધુના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને વહીવટી ભવનના ફર્નિચર સહિત અનેક વિકાસ કાર્યોને બહાલી : મહર્ષિ વેદ વ્યાસ અને ડો. બાબાસાહેબ આંબેડકર ચેરની સ્થાપનાને પણ લીલી ઝંડી

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટની એક મહત્વપૂર્ણ બેઠક યુનિવર્સિટીના મધ્યસ્થખંડમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં યુનિવર્સિટીના માળખાગત વિકાસના વિવિધ કાર્યોની મંજૂરીઓ તેમજ શૈક્ષણિક બાબતોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી અને વહેલી તકે યુનિવર્સિટી કેમ્પસમાં બિલ્ડીંગ નિર્માણાધિન થાય તે દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. કુલપતિ પ્રો. (ડો.) ચૌહાણે જણાવ્યું કે, આ મંજૂરીઓ મળતા આવનારા દિવસોમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના છાત્રો માટે અત્યાધુનિક શૈક્ષણિક સવલતોમાં નોંધપાત્ર વધારો થશે.
વિકાસકાર્યોની વિગતવાર મંજૂરીઓ:
બેઠકમાં ₹૭૦ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી મળી હતી. આ પૈકી, ₹૧૨.૯૭ કરોડના ખર્ચે પી.એમ. ઉષા અનુદાનમાંથી યુનિવર્સિટી ભવનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો, યુનિવર્સિટી અતિથિ ભવન, કોમ્પ્યુટર લેબ સહિતના માળખાગત બાંધકામ અને ડેવલપમેન્ટના કાર્યોની ટેન્ડર પ્રક્રિયાને મંજૂર કરવામાં આવી. આ ઉપરાંત, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન સ્ટડીઝ ભવનના બાંધકામ માટે ₹૯.૮૪ કરોડના કામો માટેની ટેન્ડર પ્રક્રિયાને પણ બહાલી આપવામાં આવી. આ સાથે, ₹૪૮ કરોડથી ઉપરાંતના ખર્ચથી યુનિવર્સિટી ભવનના કમ્પાઉન્ડ વોલ, વહીવટી ભવનના ફર્નિચર ઈત્યાદી વિકાસ કાર્યોની ટેન્ડર પ્રક્રિયાને પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
શૈક્ષણિક અને વહીવટી સુધારાઓ:
રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝની મંજૂર થયેલી વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચાલુ વર્ષ દરમિયાન કોલેજના ચાલુ જોડાણ અને અનુસ્નાતક કેન્દ્રોને માન્યતા આપી બહાલી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મહર્ષિ વેદ વ્યાસ ચેર અને ડો. બાબાસાહેબ આંબેડકર ચેર શરૂ કરવા રજૂ થયેલ પ્રસ્તાવને પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ સાથે, યુનિવર્સિટીના સંશોધનોના વિકાસ થાય તે માટે બોર્ડ ઓફ રિસર્ચ સેન્ટર શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત સભ્યો અને કુલપતિનો સંદેશ:
બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ડો. મુકેશ પાનસુરીયા, પ્રો. (ડો.) ભાવસિંહ ડોડીયા, પ્રો. (ડો.) સુહાસ વ્યાસ, ડો. જતીન રાવલ, પ્રો. (ડો.) જયસિંહ ઝાલા, ડો. રમેશ સાગઠીયા, ડો. રેખાબેન એમ. ગુંજારીયા, લવ ત્રિવેદી, ભૂમિકાબેન ગામીત, અને યુનિ.ના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. કીર્તિબા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડો. જે.એમ. વ્યાસે ઓનલાઇન હાજરી આપી હતી.
કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણે યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસોથી શૈક્ષણિક અને વહીવટી તેમજ નૂતન ભવનના બાંધકામના કાર્યને વેગવંતુ બનાવવા હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને લગતા સેમિનાર અને વિદ્યાર્થીલક્ષી વ્યવસ્થાઓ ઊભી થાય તે માટેના પ્રયાસો આગામી દિવસોમાં કરવામાં આવશે. આ તકે કુલપતિ પ્રો. ચૌહાણે રાષ્ટ્રીય કક્ષાના સમાજશાસ્ત્ર ભવન દ્વારા 'જનજાતીય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ' વિષયે આયોજિત બે દિવસીય પરિષદની બોર્ડ ઓફ મેનેજમેન્ટને માહિતી આપી અને ભારપૂર્વક કહ્યું કે, વિકાસની પ્રક્રિયા વધુ વ્યાપક, સંકુલ અને સમય તથા પ્રદેશ સાપેક્ષ હોય છે. વિકાસ એ નિરંતર ચાલતી એક બહુઆયામી સર્વસ્પર્શી, સર્વગ્રાહી પ્રક્રિયા છે. તેમણે યુનિવર્સિટીના નિર્માણાધીન ભવનોની કામગીરી અને નવી શિક્ષણ નીતિને અપનાવી વિદ્યાર્થી હિતના કાર્યોને સહિયારા ભાવથી કરવા પર ભાર મૂક્યો, જેથી ભક્તકવિ નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિશ્વકક્ષાની યુનિવર્સિટીના અભ્યાસ માળખા સાથે હરીફાઈ કરી પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
