<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

બિન-માન્‍યતા પ્રાપ્‍ત પક્ષોની આવક ૨૨૩ ટકા વધી

ADRના રિપોર્ટમાં દાવોઃ ૭૩ ટકા પક્ષોએ નાણાકીય રેકોર્ડ જાહેર કર્યા નથી : સૌથી વધુ આવક જાહેર કરનારી ટોચના ૧૦ પક્ષોમાં ગુજરાતના પાંચ

 

નવી દિલ્‍હ,તા.૧૯: દેશમાં નોંધાયેલા બિન-માન્‍યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની આવકમાં ૨૦૨૨-૨૩માં આશરે ૨૨૩ ટકાનો જંગી ઉછાળો આવ્‍યો હતો. આવા અમાન્‍ય પક્ષોમાંથી ૭૩ ટકાથી વધુ પક્ષોએ તેમના નાણાકીય રેકોર્ડ જાહેર કર્યાં ન હતાં. સૌથી વધુ આવક જાહેર કરનારી ટોચના ૧૦ આવા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષો છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

એડીઆરે ૨૨ રાજ્‍યોની આવા કુલ ૭૩૯ પક્ષો (૨૬.૭૪ ટકા)ના ૨૦૨૨-૨૩નાણાકીય વર્ષ માટેના વાર્ષિક રિપોર્ટનું વિશ્‍લેષણ કરી આ અહેવાલ તૈયાર કર્યો હતો. વિશ્‍લેષણમાં બહાર આવ્‍યું હતું કે ૭૩.૨૬ ટકા એટલે કે ૨૦૨૫ પક્ષોના ૨૦૨૨-૨૩ના વર્ષ માટેના વાર્ષિક ઓડિટ અને ચૂંટણીફંડના રિપોર્ટ સાર્વત્રિક સ્‍તરે ઉપલબ્‍ધ નથી.

ટોચની ૧૦ પાર્ટીઓએ કુલ ૧૫૮૧.૭૫ની આવક જાહેર કરી હતી, તેમાંથી ગુજરાતની પાર્ટીઓએ રૂ.૧૧૫૮.૧૧કરોડની આવક જાહેર કરી હતી.

વાર્ષિક સ્‍ટેટમેન્‍ટ ઉપલબ્‍ધ છે તેવા સૌથી વધુ અમાન્‍ય પક્ષો યુપીમાં છે. તે પછી દિલ્‍હી અને બિહારનો ક્રમ આવે છે. જોકે રાજ્‍યોમાં અમાન્‍ય પક્ષોની સંખ્‍યા પણ સૌથી વધુ છે. પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાના આવા એક પણ પક્ષે તેમના ઓડિટ કે યોગદાનના રિપોર્ટ જાહેર કર્યા નથી.

આ અહેવાલમાં વિશ્‍લેષણ કરાયેલા ૭૩૯ નોંધાયેલા પક્ષોમાંથી ૨૦ રાજ્‍યોના ૫૦૧ પક્ષોના ઓડિટ અને યોગદાન અહેવાલો બંને ઉપલબ્‍ધ છે. આ સંખ્‍યા કુલ રજિસ્‍ટર્ડ બિનમાન્‍યતાપ્રાપ્ત પક્ષોની કુલ સંખ્‍યાના માત્ર ૧૮.૧૩ ટકા છે. ગુજરાતના સૌથી વધુ ૩૭.૮૯ ટકા પક્ષો નિયમ પાલન કર્યું હતું.

સૌથી વધુ આવક જાહેર કરનારના ટોચના ૧૦ પક્ષોમાં ગુજરાતના પાંચ છે.ગુજરાતની પાર્ટીઓએ કુલ ૧,૧૫૮.૧૧૫ કરોડની કુલ આવક જાહેર કરી હતી, જે ટોચની દસ પાર્ટીઓની કુલ આવકના ૭૦ ટકા છે. ભારતીય રાષ્ટ્રીય જનતા દળે સૌથી વધુ રૂ.૫૭૬.૪૫૮ કરોડની આવક જાહેર કરી હતી.

એડીઆરના જણાવ્‍યા મુજબ સૌથી વધુ આવકજાહેર કરનારી પાર્ટીઓમાંથી ઘણી પાર્ટીઓની સ્‍થાપના ૨૦૧૫ પછી થઈ હતી. જે દર્શાવે છે કે નવા પક્ષોને ઝડપથી ભંડોળ એકત્ર કરે છે. તેમાં સત્‍યવાદી રક્ષકપાર્ટી (૨૦૨૨), જન મન પાર્ટી (૨૦૨૧), જન સેવક ક્રાંતિ પાર્ટી (૨૦૨૧) અને ન્‍યુ ઈન્‍ડિયા યુનાઈટેડ પાર્ટી (૨૦૧૮)નો સમાવેશ થાય છે. ભારતીય રાષ્ટ્રીય જનતા દળે નાણાકીય ૨૦૧૯-૨૦ થી૨૦૨૩-૨૪ વચ્‍ચે સૌથી વધુ કુલ આવક રૂ.૯૫૭.૪૪૫૪ કરોડ જાહેર કરી હતી.(૪૦.૮)

(9:53 AM IST)