<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ બદલાઈ ગઈ : જાણો ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ શું છે?

વિવિધ કેટેગરી માટે અલગ અલગ તારીખો નક્કી કરવામાં આવી છે.

નવી દિલ્હી : આવકવેરા રિટર્ન ફાઇલ  કરવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં કરદાતા તેમના ITR ફાઇલ કરી રહ્યા છે.

આ સાથે સરકારે તાજેતરમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી હતી. આ સંજોગોમાં ઘણા કરદાતા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ અંગે મૂંઝવણમાં છે. વિવિધ કેટેગરી માટે અલગ અલગ તારીખો નક્કી કરવામાં આવી છે.

જો તમે કોઈ વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) છે અને તમારા ખાતાનું ઓડિટ કરાવવાની જરૂર નથી તો તમારા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર, 2025 છે. સરકારે આકારણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર 2025-26 માટે આ તારીખ લંબાવી છે. અગાઉ આ તારીખ 31 જુલાઈ છેલ્લી તારીખ હતી.

એવી જ રીતે જે કરદાતાઓનું એકાઉન્ટ ઓડિટ ફરજિયાત છે તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર 2025 છે. તેમાં કંપનીઓ, માલિકી પેઢીઓ એટલે કે પ્રોપ્રાઈટરશિપ ફર્મ્સ અથવા પેઢીના કાર્યકારી ભાગીદારોનો સમાવેશ થાય છે. જોકે આ કરદાતાએ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં તેમના ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનું રહેશે.

જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરતા કરદાતા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે. જો કે આ શ્રેણી હેઠળ આવતા કરદાતાએ કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે અને તેમનો ઓડિટ રિપોર્ટ 31 ઓક્ટોબર, 2025 સુધીમાં સબમિટ કરવો ફરજિયાત છે. આ નિયમ એવા કરદાતાને લાગુ પડશે જેમના વ્યવસાય અથવા આવકમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો સામેલ છે.

 


 

(7:17 PM IST)