<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ગામડાના દેશી ઘીની કમાલઃ ઘરમાં ચોરી કરવા આવેલા ચોરને ૭૫ વર્ષના દાદીએ એકલા હાથે ધોઈ નાખ્‍યા

રાજસ્‍થાનના પાલી જિલ્લાના બગડી વિસ્‍તારમાં એક દાદીની સાહસિક કહાણીએ સૌને ચોંકાવી દીધા

પાલી તા.૨૪: રાજસ્‍થાનના પાલીના  કાગોં કી ઢીમડી, બગડીના રહેવાસી ૭૫ વર્ષના અમળતિ દેવી સીરવીએ મોડી રાતે પોતાના ઘરમાં ઘૂસેલા પાંચ બુકાનીધારી લૂંટારાઓ સાથે બાથ ભીડી અને એક ગુંડાને તો પકડી પણ લીધો. જોકે લૂંટારા દાગીના લૂંટીને ભાગવામાં સફળ થયા હતા. આ સનસનીખેજ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જેના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના ૨૧ જુલાઈની રાતે લગભગ ૧ વાગ્‍યે થઈ હતી. અમળતિ દેવી પોતાના ઘરના હૉલમાં ખાટલા પર સૂઈ રહ્યા હતા, એ જ સમયે ઘરમાં બુકાનીધારી લૂંટારા ઘરમાં ઘુસી આવ્‍યા હતા. તમામ લૂંટારાઓએ મોં પર કપડાં બાંધ્‍યા હતા. તેમણે અમળતિ દેવીના ગળાની સોનાની કંઠી (૧ તોલા), કાનના સોનાના ટૉપ્‍સ અને અન્‍ય દાગીના લૂંટવાની કોશિશ કરી, પણ ૭૫ વર્ષના દાદીએ હાર માની નહીં. તેમણે લૂંટારા સાથે બરાબરની બાથ ભીડી અને એક બદમાશને પકડી લીધો. આ દરમિયાન ચોર ટોળકીએ તેમને ખાટલામાંથી નીચે પાડી દીધી, જેથી તેમને મામૂલી ઈજા થઈ. એક ચોરે તો દુપટ્ટાથી દાદીનું ગળું દબાવવાની કોશિશ પણ કરી, પણ તેમની ચીસો સાંભળીને તેમનો દીકરો તિલોક રામ આવી પહોંચ્‍યો. તે આવીને કંઈ કરે તે પહેલા તો ચોર દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા

આ ઘટનાની જાણ થતાં જ સોજત સિટી પોલીસ સ્‍ટેશનના સિનિયર અધિકારી, જેમાં સોજત સીઓ જેઠૂ સિંહ પણ હતા, જેઓ ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યા. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં લૂંટારા સ્‍પષ્ટ રીતે બુકાનીમાં દેખાઈ રહ્યા છે. પોલીસને આજુબાજુના વિસ્‍તારમાં કોઈ બુકાનીધારી લૂંટારાનો પગેરું મળ્‍યા નથી. અધિકારીઓનું માનવું છે કે આ એક સુનિયોજિત પ્‍લાન હતો અને તેમાં સ્‍થાનિક લૂંટારાનો હાથ હોઈ શકે છે. પોલીસે બે ટીમો બનાવી છે, જે સીસીટીવી ફૂટેજ અને અન્‍ય ટેકનિક રીતે પૂરાવા એકઠા કરી લૂંટારાને શોધવામાં મદદ કરશે.(૩૮.૭)

(10:10 AM IST)