<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોદી-મોઇઝ્ઝુની જાદુઈ ઝપ્પી: ‘ઇન્ડિયા આઉટ’ થયું ‘ઇન્ડિયા ઇન’ – ભારત-માલદીવ સંબંધોમાં નવા યુગનો પ્રારંભ!

આ યાત્રા ભારત-માલદીવના રાજદ્વારી સંબંધોની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરીને ભારતની 'પડોશી પહેલા' નીતિને બનાવશે વધુ સુદ્રઢ

માલે, માલદીવ 25 જુલાઈ 2025: એક સમયે જ્યાં 'ઇન્ડિયા આઉટ'ના નારા ગુંજતા હતા, તે માલદીવમાં આજે 'ઇન્ડિયા ઇન'નો જયઘોષ સાંભળવા મળ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય માલદીવ યાત્રાએ બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. આજે વડાપ્રધાન મોદી યુકેથી સીધા માલદીવ પહોંચ્યા ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુએ તેમનું એવું ઉષ્માભર્યું સ્વાગત કર્યું કે જાણે ભૂતકાળની તમામ કડવાશ ભૂલાઈ ગઈ હોય! માલે એરપોર્ટ પર મોદીનું સ્પેશિયલ વિમાન ઉતરતાની સાથે જ મોઇઝ્ઝુ તેમને આવકારવા દોડી પડ્યા અને બંને નેતાઓ ગળે મળ્યા. આ દ્રશ્ય એક ઐતિહાસિક પળ બની ગયું, જેણે ભારત અને માલદીવ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધો.
 
'ઇન્ડિયા આઉટ'થી 'ઇન્ડિયા ઇન' સુધીની સફર
મોઇઝ્ઝુએ શરૂઆતમાં 'ઇન્ડિયા આઉટ' અભિયાન ચલાવીને અને ચીન તરફી વલણ અપનાવીને ભારત સાથેના સંબંધોમાં તણાવ પેદા કર્યો હતો. પરંતુ તાજેતરમાં મોઇઝ્ઝુના સૂર બદલાયા છે અને તેઓ ભારત સાથે જૂની મિત્રતા પુનર્સ્થાપિત કરવા આતુર જણાય છે. આજે મોદીનું સ્વાગત કરવા માટે મોઇઝ્ઝુની આતુરતા અને બંને નેતાઓનું ગળે મળવું એ સ્પષ્ટ સંકેત આપે છે કે માલદીવને ભારતની મિત્રતાનું મહત્વ સમજાઈ ગયું છે.
 
ભવ્ય સ્વાગત અને રાજદ્વારી મહત્વ
વડાપ્રધાન મોદી માલદીવના ૬૦મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા આવ્યા છે. માલે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માત્ર રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ જ નહીં, પરંતુ માલદીવના સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, નાણા મંત્રી અને ગૃહ સુરક્ષા મંત્રી સહિત સમગ્ર સરકાર મોદીને આવકારવા હાજર હતી. આ અભૂતપૂર્વ સ્વાગત દર્શાવે છે કે આ યાત્રા દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે કેટલી મહત્વપૂર્ણ છે.
 
ભાવુક સ્વાગત અને ભવિષ્યની યોજનાઓ
મોદીની રાહ માત્ર સરકારી અધિકારીઓ જ નહીં, પરંતુ ભારતીય પ્રવાસી સમુદાય પણ આતુરતાપૂર્વક જોઈ રહ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોએ પારંપરિક માલદીવિયન કલાકારો દ્વારા મોદીનું સ્વાગત કર્યું અને 'વંદે માતરમ' તથા 'ભારત માતા કી જય'ના નારાથી માલદીવનું આકાશ ગુંજી ઉઠ્યું. આ દ્રશ્યો એ ભૂમિ પર બની રહ્યા હતા જ્યાં થોડા સમય પહેલાં 'ઇન્ડિયા આઉટ' અભિયાન ચાલતું હતું, જે માલદીવના બદલાયેલા દ્રષ્ટિકોણનું પ્રતીક છે.

વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ સાથે વ્યાપક વાટાઘાટો કરશે અને ભારતના સહયોગથી ચાલી રહેલી અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ યાત્રા ભારત-માલદીવના રાજદ્વારી સંબંધોની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે પણ થઈ રહી છે. આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરશે નહીં, પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની 'પડોશી પહેલા' નીતિને પણ વધુ સુદ્રઢ બનાવશે.

શું આ નવી રાજદ્વારી ઉષ્મા ભારત-માલદીવ સંબંધોને ખરેખર એક નવા અને મજબૂત માર્ગ પર લઈ જશે?

(4:37 PM IST)