News of Friday, 25th July 2025
અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટના: FAA રિપોર્ટમાં ફ્યુલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીનો ઇનકાર, માનવીય ભૂલ પર ધ્યાન
તપાસકર્તાઓને ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના સંકેતો મળ્યા નથી: ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી

અમદાવાદ: ગયા જૂન માસમાં અમદાવાદથી ટેકઓફના બે મિનિટમાં જ ધડાકાભેર ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાનો યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો તપાસ રિપોર્ટ જાહેર થયો છે. આ દુર્ઘટનામાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે જણાવ્યું છે કે, તપાસકર્તાઓને ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના સંકેતો મળ્યા નથી. જે શંકા સેવાઈ રહી હતી કે ફ્યુલ સિસ્ટમ યુનિટમાં ખામીને કારણે દુર્ઘટના થઈ, તેનો FAA રિપોર્ટમાં ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી અને મિકેનિકલ ખામીની કોઈ સંભાવના નથી.
જોકે, ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને અમેરિકાની NTSBના પ્રારંભિક રિપોર્ટ મુજબ, ટેકઓફ બાદ બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ અચાનક 'કટઓફ'ની સ્થિતિમાં આવી ગઈ હતી, જેનાથી એન્જિનમાં ફ્યુલ સપ્લાય બંધ થયો. જોકે, ૧૦ સેકન્ડમાં સ્વિચ 'રન' સ્થિતિમાં પાછી આવી હતી, પરંતુ એન્જિન સમયસર પૂરતું થ્રસ્ટ (ધક્કો) મેળવી શક્યું નહીં.
કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજાને ફ્યુલ સ્વિચની ગતિવિધિ વિશે પૂછતો સંભળાય છે, જ્યારે બીજો પાયલોટ તેનો ઇનકાર કરતો જણાય છે. આના પરથી તારણ કાઢવામાં આવ્યું કે, ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ થવા કે અટકી જવાને કારણે ફ્યુલ સપ્લાય બંધ થયો હતો. જોકે, કયા પાયલટે આ વાત કરી તે હજુ સ્પષ્ટ નથી. AAIB હાલમાં માનવીય ભૂલ, સંચારનો અભાવ અથવા સિસ્ટમ સંબંધિત અન્ય કોઈ ખામીને કારણે સ્વિચની આ ગતિવિધિ થઈ હતી કે કેમ તેની તપાસ કરી રહ્યું છે. વિસ્તૃત તારણો હજુ જાહેર થવાના બાકી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
