<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા નારાજ વિધાનસભ્યોને બોર્ડ – કોર્પોરેશનના અધ્યક્ષ પદોની લ્હાણી કરાશે

ભાજપ, શિવસેના અને એનસીપી માટે 2:1:1ની ફોર્મ્યુલા: મ્હાડા અને સિડકો જેવા કેટલાક મોટા અને મહત્ત્વના બોર્ડ પર ખેંચતાણ

મુંબઈ: મહાયુતિ સરકાર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકાર સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં લાંબા સમયથી પડતર નિમણૂંકો કરે તેવી શક્યતા છે. નારાજ વિધાનસભ્યો અને પ્રધાન ન બની શકેલા અન્ય નેતાઓને શાંત કરવા માટે, સરકાર ટૂંક સમયમાં રાજ્ય સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં નિમણૂકો કરશે, એમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ભાજપ, શિવસેના અને એનસીપી માટે 2:1:1ની ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી છે. પક્ષના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે મ્હાડા અને સિડકો જેવા કેટલાક મોટા અને મહત્ત્વના બોર્ડ પર ખેંચતાણ ચાલી રહી છે અને મહાયુતિના પ્રધાનોની સંકલન સમિતિએ આ અઠવાડિયે વિવિધ પાસાં પર ચર્ચા કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારની રચના થઈ ત્યારથી રાજ્ય સરકાર સંચાલિત કોર્પોરેશનો અને બોર્ડમાં નિમણૂકો બાકી છે.

 

ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા, રાજ્ય સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં નામ આપવામાં આવેલા ચારમાંથી ત્રણને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વિધાનસભ્ય સંજય શિરસાટને સિડકોના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વિધાનસભ્ય ભરત ગોગાવલેને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંનેને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુળને મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ભૂતપૂર્વ સાંસદ હેમંત પાટીલને બાળાસાહેબ ઠાકરે હરિદ્રા સંશોધન અને તાલીમ કેન્દ્રના અધ્યક્ષ તરીકે કેબિનેટ દરજ્જો આપવામાં આવ્યો હતો

(9:58 PM IST)