<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ

ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટઃનાગરિકોને કેટલાક હિંસાગ્રસ્ત વિસ્તારોની યાત્રા ન કરવા અને સત્તાવાર સ્રોતો પાસેથી માહિતી મેળવવા સલાહ આપી

નવી દિલ્હી, તા.૨૫

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ તો ચાલી રહ્યો જ રહ્યો હતો, એવામાં હવે ૨૪ જુલાઈ-થી બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવો તણાવ અને હિંસા ચાલી રહી છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેલા ભારતીય અને ત્યાં પ્રવાસ કરવાનું આયોજન બનાવી રહેલા લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે શુક્રવારે (૨૫ જુલાઈ)એ એક એડવાઈ જાહેર કરીને નાગરિકોને કેટલાક હિંસાગ્રસ્ત વિસ્તારોની યાત્રા ન કરવા અને સત્તાવાર સ્રોતો પાસેથી સતત માહિતી મેળવવાની સલાહ આપી છે.

ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, 'ભારતના નાગરિકોએ થાઈલેન્ડના સાત પ્રદેશો ઉબોન રાચથાની, સુરિન, સિસાકેત, બુરીરામ, સા કૈઓ, ચાન્તાબુરી અને ત્રાટમાં પ્રવાસ કરવાનો ટાળવો જોઈએ. થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પરની સ્થિતિને ધ્યાને રાખીને તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પ્રવાસ કરતા પહેલા થાઈલેન્ડની TAT જેવા સત્તાવાર સ્રોત પાસેથી માહિતી મેળવે.'

થાઇલેન્ડની ટુરિઝમ ઓથોરિટી તે પ્રતિબંધિત વિસ્તારોની યાદી શેર કરી છે, જ્યાં હાલ પ્રવાસ કરવો સુરક્ષિત નથી. આ ૨૦ સ્થળોમાં ભારતીય દૂતાવાસે કહેલા સાત સ્થળ પણ સામેલ છે. સરકારે ૨૦ સ્થળો પર સામાન્ય નાગરિકોના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે. થાઈ સરકારે સળગતી સ્થિતિને ધ્યાને રાખીને પ્રવાસીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સરકારે પ્રવાસીઓને કહ્યું છે કે, તેઓને જરૃર પડે ત્યારે ટીએટી કૉલ સેન્ટર ૧૬૭૨ પર સંપર્ક કરી શકે છે અથવા સંબંધિત પ્રાદેશિક કાર્યાલયો પાસેથી પણ માહિતી મેળવી શકે છે.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (૨૪ જુલાઈ) હિંસક અથડામણ શરૃ થઈ હતી, જેમાં એક સૈનિક અને કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. ઘટનાઓમાં ૧૫ સૈનિકો અને ૩૦ સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ, હિંસા વધુ વકર્યા બાદ હજારો લોકોએ પોતાનું ઘર છોડી અન્ય સ્થાને પલાયન કરી રહ્યા છે. થાઇલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથામ વેચયાચાઈએ ચેતવણી આપી છે કે, વર્તમાન સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ શકે છે. હવે ઘૂસણખોરી અને આક્રમક કાર્યવાહીની સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ ગંભીર હોવાના કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ અહીં ભારે હથિયારોથી અથડામણ ચાલી રહી છે.

(10:44 PM IST)