News of Saturday, 26th July 2025
શું ચીન-પાકિસ્તાનનો ભાઈચારો તૂટ્યો? 500 અબજ રૂપિયાની માંગણીથી પાકિસ્તાન પર અંધકારનું સંકટ!
પાકિસ્તાનની સૌથી મોંઘી વીજળી: ચીની કંપનીઓએ "મોં માંગી કિંમત" વસૂલી, ચૂકવવા શહેબાઝ સરકારે જનતા પર કરવેરા લાદ્યા, છતાં 500 અબજનું દેવું બાકી

પાકિસ્તાન ઇતિહાસના સૌથી મોટા વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ચીને પાકિસ્તાનને 500 અબજ રૂપિયા (લગભગ $1.7 બિલિયન યુએસડી) ચૂકવવાની તાત્કાલિક માંગ કરી છે, અન્યથા પાકિસ્તાન સંપૂર્ણપણે અંધકારમાં ડૂબી શકે છે. આ દેવું છેલ્લા સાત મહિનામાં ચીની પાવર કંપનીઓનું બાકી છે, જેના કારણે બંને "સદાબહાર મિત્રો" વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે.
જિનપિંગના બંગલામાં મુનીર બંધક? બેઇજિંગમાં અપમાન!
પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તાજેતરમાં ચીન ગયા હતા. તેમને આશા હતી કે તેમનું ભવ્ય સ્વાગત થશે, પરંતુ અહેવાલો મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને ખરાબ રીતે અપમાનિત કર્યા. મુનીરને સીધા જ 500 અબજ રૂપિયાના દેવાની ચૂકવણીની માંગણી કરવામાં આવી. પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ, જો પાકિસ્તાન એક મહિનામાં આ રકમ નહીં ચૂકવે, તો ચીન વીજળીનો પુરવઠો બંધ કરી દેશે, જેનાથી પાકિસ્તાન અંધકારમાં ગરકાવ થઈ જશે.
પાકિસ્તાનીઓ કેમ ગુસ્સે છે? "આખા મુલકને વેચી દો!"
આ સમાચાર વાયુવેગે પ્રસરતા પાકિસ્તાનની જનતામાં ભારે રોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. લોકો ભયભીત છે કે આ કાળઝાળ ગરમીમાં તેમના ઘરોની બત્તી ગુલ ન થઈ જાય. ફેક્ટરીઓ બંધ થઈ જશે, મોબાઈલ ફોન નહીં ચાલે, અને પાકિસ્તાનીઓ ટીવી જોવા માટે પણ તરસી જશે. "કર્ઝ ઉતારો મુલ્ક સંવારો" જેવી યોજનાઓમાં પોતાની પોકેટ મની અને સોનું આપનાર લોકો હવે સરકાર પર ભડક્યા છે. કેટલાક તો શ્રીલંકા જેવી પરિસ્થિતિની કલ્પના કરીને, મુનીરથી લઈને શહેબાઝ શરીફ સુધીના નેતાઓને પકડીને સત્તા પરથી ઉતારવાની વાત કરી રહ્યા છે. એક નાગરિકે તો નિરાશામાં કહ્યું કે, "આના કરતાં તો સારું છે કે દેશને જ વેચી દો!"
CPEC: પાકિસ્તાન માટે 'મોંઘી વીજળી'નો બોજ
અહેવાલ મુજબ, ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ બનેલા પાવર પ્લાન્ટ્સ આ વિવાદનું મુખ્ય કારણ છે. પાકિસ્તાને શરૂઆતમાં 21 પાવર પ્લાન્ટ્સ બનાવવા માટે ચીન સાથે કરાર કર્યા હતા, જેમાંથી 12448 મેગાવોટથી વધુ વીજળી ઉત્પન્ન કરવાની યોજના હતી. જોકે, ચીની ઇજનેરો પર થયેલા હુમલાને કારણે CPECનું કામ અટકાવવામાં આવ્યું, અને માત્ર 14 પાવર પ્લાન્ટ્સ જ તૈયાર થઈ શક્યા. આ પ્લાન્ટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળી માટે ચીની કંપનીઓએ "મોં માંગી કિંમત" વસૂલી છે, જે પાકિસ્તાનની સૌથી મોંઘી વીજળી બની ગઈ છે. આ ચૂકવવા માટે શહેબાઝ સરકારે પાકિસ્તાની જનતા પર કરવેરાનો બોજ લાદ્યો, તેમ છતાં 500 અબજ રૂપિયાનું દેવું હજુ પણ બાકી છે.
શું પાકિસ્તાન ખરેખર અંધકારમાં ડૂબી જશે?
પાકિસ્તાની પત્રકાર આરઝુ કાઝમીના મતે, પાકિસ્તાન એક તરફ અમેરિકાને પણ પકડી રાખશે અને બીજી તરફ ચીનને પણ જવા દેશે નહીં, કારણ કે ચીને એટલું રોકાણ કર્યું છે કે જો ચીન જવા માંગે તો તેની પાસે ભાડાના પૈસા પણ નહીં હોય. જોકે, એવી અટકળો છે કે મુનીરની વિનંતી બાદ ચીને પાકિસ્તાન સરકારને એક મહિનાની મુદત આપી છે. જો આ સમયગાળામાં ચીનના અબજો રૂપિયા ચૂકવવામાં નહીં આવે, તો પાકિસ્તાન ખરેખર અંધકારમાં ડૂબી જશે અને વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
