<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

પ્રજાની સમસ્યા અને પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરો : 2027માં ગુજરાતમાં નિશ્ચિતપણે કોંગ્રેસ સરકાર બનાવશે : રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ

ભાજપ શાસનની 30 વર્ષની સૌથી નબળી સરકાર હાલમાં રાજ્ય ઉપર શાસન કરી રહી છે. પ્રજા તેનાથી ત્રસ્ત અને નારાજ છે

આણંદ: કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આણંદ ખાતે ખાનગી રિસોર્ટ ખાતે નવનિયુક્ત થયેલા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. સવારે વડોદરા એરપોર્ટથી બાય રોડ આણંદ રિસોર્ટમાં શિબિરમાં પહોંચ્યા હતા. અહીં પ્રમુખો સાથે બેઠક કરી દૂધ સંઘના સભાસદો સાથે પણ બપોર બાદ મુલાકાત કરી હતી. તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.

પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકસાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારાઓને જ સન્માન મળશે. નવા નેતૃત્વ અને નવા કલેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને લડવા મેદાનમાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી ત્રસ્ત જનતા જ આપણને ચૂંટણીઓ જીતાડશે. ઈમાનદારીપૂર્વક કામ કરનાર જિલ્લા અધ્યક્ષો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા 24 કલાક ખુલ્લા રહેશે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનની 30 વર્ષની સૌથી નબળી સરકાર હાલમાં રાજ્ય ઉપર શાસન કરી રહી છે. પ્રજા તેનાથી ત્રસ્ત અને નારાજ છે. નવી વિશ્વસનીય નેતાગીરી સાથે નવા કલેવર સાથે આપણે પ્રજા સમક્ષ જઈ તેમની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને ઉજાગર કરીશું તો ગુજરાતની જનતા જરૂરથી આપણને સત્તાના સિંહાસન સુધી પહોંચાડશે.

હું સંગઠન સૃજન અભિયાનનો પાઈલોટ પ્રોજેક્ટ અન્ય રાજ્યોમાંથી પણ શરુ કરી શકતો હતો પરંતુ મે ગુજરાતને જ પસંદ કર્યું છે. તેનું માત્ર કારણ મને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિજયની સંભાવનાઓ દેખાઈ રહી છે, માટે મે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે. ગુજરાતમાં હંમેશા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાય છે. ત્રીજા પક્ષને ગુજરાતની જનતા સ્વીકારતી નથી.  

રાહુલએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 2017ની ચૂંટણીઓ સમયે મે ફક્ત ચાર મહિના પહેલા જ ચૂંટણીની બાગડોર સંભાળી હતી અને આપણે સત્તાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. જો સુરતની 16 સીટોમાં ભાજપે રમત ના કરી હોત તો આપણી સરકાર નિશ્ચિત હતી.

દેશમાં ભાજપ મતદાર યાદીઓ સાથે ચેડા કરીને જ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી ચૂંટણીઓ જીતે છે. તમામ જિલ્લા અધ્યક્ષોએ પોતાના મતવિસ્તારની મતદારયાદીની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. આ વખતે આપણે 2027ની ચૂંટણીઓ જીતવાના પ્રયાસના ભાગરૂપે અઢી વર્ષ અગાઉ ચૂંટણીના મેદાનમાં સક્રિય થયા છીએ તો નિશ્ચિત છે કે આપણે સરકાર બનાવીશું.

(10:41 PM IST)