News of Monday, 28th July 2025
હસબન્ડથી છૂટી પડેલી મહિલાને ફ્રીઝ કરાયેલા ભ્રૂણથી માતા બનવું છે પણ પતિએ ઇનકાર કર્યો
બોમ્બે હાઈ કોર્ટે આ કેસમાં પતિ, ક્લિનિક અને નેશનલ ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્રોલોજી (રેગ્યુલેશન) એન્ડ સરોગસી બોર્ડને નોટિસ મોકલાવી છે

મુંબઈ તા.૨૮: મુંબઈના એક દંપતી વચ્ચે ભ્રૂણને ટ્રાન્સફર કરાવવાના મુદ્દે કાયદાકીય જંગ ફાટી નીકળ્યો છે. મૂળમાં દંપતીનાં ૨૦૨૧માં લગ્ન થયાં હતાં અને ૨૦૨૨માં તેમણે કેમ્પ્સ કોર્નરના એક ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) સેન્ટરમાં પતિના શુક્રાણુ અને પત્નીના અંડાશયથી ૧૬ ભ્રૂણ તૈયાર કરી ફ્રીઝ કરાવ્યા હતા. એ માટેની એન્યુઅલ ૨૫,૦૦૦ રૂપિયાની ફી પણ ભરી હતી. એ પછી ૨૦૨૩માં તેમના સંબંધો વણસ્યા હતા અને બન્ને અલગ થઈ ગયાં હતાં. જોકે એ પછી ૪૬ વર્ષની મહિલાને માતા બનવાની ઇચ્છા થતાં તેણે પતિની પરવાનગી લીધા વગર એ ભ્રૂણ કોલાબાના આઇવીએફસેન્ટરમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી માગી હતી, પણ તેના પતિએ એ માટે ઈ-મેઇલ કરીને ના પાડી દીધી હતી. એથી મહિલાએ ત્યાર બાદ કોર્ટમાં ધા નાખતાં કહ્યું હતું કે આ તેના મા બનવાના અધિકાર પર તરાપ મારવા સમાન છે. મહિલાની આ દલીલ સાંભળી કોર્ટ પણ ચકરાવે ચડી ગઈ છે. આ કિસ્સો ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્રોલોજી (રેગ્યુલેશન) ઍક્ટ ૨૦૨૧ની જોગવાઈ હેઠળ પતિ-પત્ની બન્નેની સહમતી હોવી જરૂરી છે એને પડકારે છે. ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટનાં જાસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જાસ્ટિસ નીલો ગોખલેની બેન્ચે આ બાબતે નોટિસ ઇશ્યુ કરી અરજીની હવે પછીની સુનાવણી ૨૧ ઓગસ્ટે રાખી છે.
બોમ્બે હાઈ કોર્ટે આ કેસમાં પતિ, ક્લિનિક અને નેશનલ ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્રોલોજી (રેગ્યુલેશન) ઍન્ડ સરોગસી બોર્ડને નોટિસ મોકલાવી છે.
મહિલાએ કહ્યું હતું કે તેને ૨૦૨૨માં ખબર પડી કે તેના ગર્ભાશયમાં ગાંઠ છે. એથી તેણે માયોમેક્ટોમી કરાવી હતી અને પછી ભ્રૂણ કેમ્પસ કોર્નરના આઇવીએફ સેન્ટરથી કોલાબાના સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. મહિલાનું કહેવું છે કે મધ્યસ્થી દરમ્યાન ભ્રૂણ ટ્રાન્સફર કરવા પતિએ તેની પાસે ૨૫ લાખ રૂપિયા માગ્યા હતા. એ પછી તેણે આ સંદર્ભે નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ૨૦૨૫ની ૨૯ મેએ પતિ સામે ફરિયાદ કરી છે જેમાં તેણે ધમકી અને તેના પ્રજનન-અધિકારોનો ભંગ થતો હોવાનો આરોપ કર્યો છે. એ કેસ હજી મેજિસ્ટ્રેટ કોર્ટમાં થશે, પણ એ દરમ્યાન મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી છે.
મહિલાના વકીલે રજૂઆત કરતાં કહ્યું છે કે ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્રોલોજી (રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧ સિગલ વુમનને સહાય કરે છે, પણ પરિણીત મહિલાઓએ પતિની સહમતી વગર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે પુરુષપ્રધાન માનસિકતા દર્શાવે છે. તેણે એવો દાવો કર્યો છે કે પતિની પરવાનગી જરૂરી હોવાથી તેનો માતા બનવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે.(૩૮.૧૨)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
