તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Monday, 28th July 2025
મધ્યપ્રદેશનો ખેડૂત ભારતનો સૌથી ‘ગરીબ' વ્યક્તિ, વાર્ષિક આવક ૩ રૂપિયા
ઈન્ટરનેટ પર સતના જિલ્લાના ખેડૂતની ૨૫ પૈસાની માસિક આવક ધરાવતું પ્રમાણપત્ર વાયરલ થયું

સતના તા.૨૮: દેશમાં કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની રહી છે. આ પરિસ્થિતિમાં મધ્યપ્રદેશના એક ખેડૂતની વાર્ષિક આવક ફક્ત ૩ રૂપિયા જ હોવાનું જણાયું છે અને તે ભારતનો સૌથી ગરીબ વ્યક્તિ હોવાની ચર્ચા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એમપીના સતના જિલ્લાના કોઠી તાલુકાના નયાગાવના રહેવાસી એવા રામસ્વરૂપ (૪૩) વ્યવસાયે ખેડૂત છે પરંતુ તેમના મામલતદાર દ્વારા વાર્ષિક ૩ રૂપિયાની આવક સાથેનું પ્રમાણપત્ર આપ્યું હતું જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયું હતું. મામલતાદરે બાદમાં આને ક્લેરિકલ ભૂલ ગણાવી હતી અને ખેડૂતને સુધારેલું પ્રમાણપત્ર આપ્યું હતું.
રામસ્વરૂપને મામલતદારે ૩ રૂપિયા વાર્ષિક આવક સાથેનો આવકનો દાખલો આપ્યો હતો. આ મુજબ તેની માસિક આવક ૨૫ પૈસા થાય છે. ઈન્ટરનેટ પર કેટલાક યુઝર્સે આ સર્ટિફિકેટ પોસ્ટ કરીને રામસ્વરૂપને ભારતના સૌથી ગરીબ વ્યક્તિ ગણાવ્યા હતા. ૨૨ જુલાઈએ ઈશ્યુ કરાયેલા આ સર્ટિફિકેટમાં મામલતદાર સૌરભ દ્વિવેદીએ સહી પણ કરી હતી. બાદમાં સોશિયલ મીડિયા પર આ પ્રમાણપત્ર વાયરલ થયું હતું જે બાબત મામલતદારના ધ્યાન પર આવતા તેમણે રામસ્વરૂપને ૨૫ જુલાઈએ નવો આવકનો દાખલ કાઢી આપ્યો હતો. જેમાં મહિનાના રૂ.૨,૫૦૦ની આવક સાથે વાર્ષિક આવક રૂ.૩૦,૦૦૦ દર્શાવવામાં આવી હતી.
મધ્યપ્રદેશ કોંગ્રેસે સરકારી તંત્રના આ છબરડાને મુદ્દો બનાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવના શાસનમાં અમે ભારતના સૌથી ગરીબ વ્યક્તિને શોધ્યો છે. જેની વાર્ષિક આવક ૩ રૂપિયા છે! ખરેખર આઘાતજનક છે. લોકોને ગરીબ બનાવવાના મિશનમાં હવે ખુરશી જ કમિશન ખાઈ જાય છે તેવો આક્ષેપ મધ્યપ્રદેશ કોંગ્રેસે કર્યો હતો.(૩૮.૮)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
