News of Monday, 28th July 2025
પ્રાચીન હસ્તપ્રતોએ ભારતના આત્માના પ્રકરણોઃ ડીજીટાઇઝેશન કરાશેઃનરેન્દ્રભાઇ
મન કી બાત નો ૧૨૪મો એપીસોડ પ્રસારીત : અવકાશ ક્ષેત્રે દેશની સિધ્ધી,સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝ મહારાષ્ટ્રના કિલ્લાઓ અંગે પીએ મોદીએ કરી વાત

નવી દિલ્હીઃ તા.૨૮ નરેન્દ્રભાઇએ ગઇકાલે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત' ના ૧૨૪ માં એપિસોડમાં જ્ઞાન ભારતમ મિશન, અવકાશ ક્ષેત્રે ભારતે મેળવેલ સિદ્ધિ, મહારાષ્ટ્રના ૧૨ કિલ્લાઓને યુનેસ્કોએ આપેલ માન્યતા જેવા વિષયો પર વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઇએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન, અવકાશ ક્ષેત્રે ભારતે મેળવેલ સિદ્ધિ, મહારાષ્ટ્રના ૧૨ કિલ્લાઓને યુનેસ્કોએ આપેલ માન્યતા જેવા વિષયોને પોતાના સંબોધનમાં આવરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની આ પહેલ મન કી બાતને ૨૨ ભારતીય અને ૧૧ વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે.
નરેન્દ્રભાઇએ ભારતે દેશે કરેલ પ્રગતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સફળતાઓ અને સિદ્ધિઓ વિશે વાત કરીશું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિજ્ઞાન અને સંસ્કળતિના ક્ષેત્રમાં ઘણી બધી બાબતો બની છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અવકાશથી પાછા ફર્યા.
જ્યારે ચંદ્રયાન ૩ સફળ થયું ત્યારે દેશમાં ઉત્સાહ હતો. લોકોને તેમના પર ગર્વ છે. અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે.
વડાપ્રધાન મોદીએ આવતા મહિને ૧૫મી ઓગષ્ટે આવનારા સ્વાતંત્ર્ય પર્વને પણ પોતાના સંબોધનમાં આવરી લીધું હતું. તેમણે કહ્યું કે, ૧૯૦૮માં બિહારના મુઝફ્ફરપુરમાં એક યુવાનને ફાંસી આપવાનો હતો. તે ડરતો ન હતો તેના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તે ખુદીરામ બોઝ હતા. જેમણે ૧૮ વર્ષની ઉંમરે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આવા અનેક બલિદાન પછી આપણને આઝાદી મળી. ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે. ૧૫ મી ઓગસ્ટના રોજ આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ.
૧૨૪ મી મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્રભાઇએ મહારાષ્ટ્રના ૧૨ કિલ્લાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુનેસ્કો એ મહારાષ્ટ્રના ૧૨ કિલ્લાઓને માન્યતા આપી છે. આ કિલ્લાઓ ઈતિહાસના સાક્ષી છે. હું થોડા સમય પહેલા રાયગઢ ગયો હતો તે અનુભવ કાયમ મારી સાથે રહેશે. આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે. દેશભરમાં આવા અનેક કિલ્લાઓ છે. હું જનતાને આ કિલ્લાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું.
વડાપ્રધાન મોદીએ પોતાના આ કાર્યક્રમમાં ભારત સરકારની નવી યોજના જ્ઞાન ભારતમ મિશન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલ ‘જ્ઞાન ભારતમ મિશન'ની જાહેરાત કરી છે. આ મિશન અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે. ત્યારબાદ એક નેશનલ ડિજિટલ સ્ટોરેજ બનાવવામાં આવશે. જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકો ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે.
અંતમાં તેમણે જણાવેલ કે હું તમને બધાને પણ વિનંતી કરું છું કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા છો અથવા જોડાવા માંગતા હો તો ચોક્કસપણે MyGov અથવા સંસ્કળતિ મંત્રાલયનો સંપર્ક કરો. આ ફક્ત હસ્તપ્રતો નથી આ ભારતના આત્માના પ્રકરણો છે જે આપણે આવનારી પેઢીઓને શીખવવાના છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
