<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

કાલે આવજો' કહીને બેંકના કર્મચારી ખોટા ધક્કા ખવડાવે છે ? તો ગ્રાહકોએ ક્યાં ફરિયાદ કરવી?

જો કોઈ બેંકના કર્મચારી ડ્યુટીના સમયમાં કામ કરવામાં આનાકાની કરે અથવા ખરાબ વ્યવહાર કરે તો જાણો તેમની સામે ક્યાં ફરિયાદ કરી શકો છો.

નવી દિલ્હી : ઘણી વખત બેંકના કર્મચારીઓ ગ્રાહકોના કામ કરવામાં આનાકાની કરે છે. ક્યારેક "લંચ ટાઈમ પછી આવજો" તો ક્યારેક "આજે નહીં, આવતી કાલે આવજો" જેવા જવાબો આપીને ગ્રાહકોને પરેશાન કરે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તેમને ખબર નથી હોતી કે આવા કર્મચારીઓની ફરિયાદ ક્યાં કરવી. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગ્રાહકોને અનેક અધિકારો આપ્યા છે. આજે અમે તમને જણાવીશું કે તમે આવી સમસ્યાઓનો સામનો કરો ત્યારે શું કરવું અને તમારા અધિકારો શું છે.

   જો કોઈ બેંક કર્મચારી ડ્યૂટીના સમય દરમિયાન તમારું કામ કરવામાં આનાકાની કરી રહ્યા હોય અથવા તમને કારણ વગર રાહ જોવડાવી રહ્યા હોય, તો આવા કર્મચારીનની તમે ફરિયાદ કરી શકો છો, જે બાદ તેમના સામે એક્શન લેવામાં આવી શકે છે. ખરેખર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ગ્રાહકોને મળેલા અધિકારોનો ઉપયોગ કરીને તમે આવા કર્મચારી સામે કાર્યવાહી કરાવી શકો છો. તમારે ફક્ત આ અધિકારો વિશે માહિતી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

   જો બેંક કર્મચારી યોગ્ય વર્તન ન કરી રહ્યા હોય તો તમે ડાયરેક્ટ રિઝર્વ બેંક સુધી તમારી ફરિયાદ પહોંચાડી શકો છે. જોકે, ડાયરેક્ટ RBI સુધી ફરિયાદ પહોંચાડતા પહેલા તમે બેંક કર્મચારીની ફરિયાદ બેંકના મેનેજર અથવા નોડલ ઓફિસરને કરી શકો છો. જો તમે બેંકના કર્મચારીઓની નબળી સેવા અથવા અયોગ્ય વર્તનથી પરેશાન છો, તો બેંકના બ્રાન્ચ મેનેજરને ફરિયાદ કરો. સૌથી પહેલાં તમારી ફરિયાદ બેંકના બ્રાન્ચ મેનેજરને લેખિતમાં આપો. ફરિયાદમાં સમસ્યાની વિગતો, તારીખ, સમય, અને સંબંધિત કર્મચારીનું નામ ઉલ્લેખ કરો. બેંકે 30 દિવસની અંદર તમારી ફરિયાદનું નિરાકરણ લાવવું જોઈએ.

    જો બ્રાન્ચ મેનેજર તમારી સમસ્યાનું નિરાકરણ ન કરે, તો બેંકના ગ્રાહક સેવા વિભાગનો સંપર્ક કરો. બેંકની વેબસાઈટ પર આ માટેની વિગતો (ઈ-મેલ, હેલ્પલાઈન નંબર) મળી રહેશે. જો બેંક તમારી ફરિયાદનું નિરાકરણ ન કરે, તો તમે RBIના બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરી શકો છો. ફરિયાદ ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકાય છે. ઓનલાઈન ફરિયાદ માટે તમારે RBIના કમ્પલેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) પર જવું પડશે

   ફરિયાદ નોંધાવવા માટે તમારે વેબસાઈટ https://cms.rbi.org.in પર લોગિન કરવું પડશે. પછી હોમપેજ પર File A Complaint ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આ સાથે જ [email protected] પર ઇ-મેલ મોકલીને પણ ફરિયાદ બેંકિંગ લોકપાલને કરી શકાય છે. બેંકના ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે RBIનો ટોલ ફ્રી નંબર 14448 છે, જેના પર કોલ કરીને સમસ્યાનું સમાધાન કરાવી શકાય છે

(8:01 PM IST)