<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ધ્રોલના વાંકીયા ગામે હૃદયદ્રાવક ઘટના : ખેત મજૂરના ત્રણ માસૂમ બાળકો પાણીના ખાડામાં ડૂબી જતાં કરૂણ મોત : પરિવારમાં શોકનો માહોલ

બે પુત્રી અને એક પુત્ર સહિત ત્રણ ફૂલ જેવા બાળકોના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી : ધ્રોલ પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા : વધુ તપાસ હાથ ધરાઈ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : ધ્રોલ નજીક આવેલા વાંકીયા ગામેથી આજે એક હૃદયદ્રાવક અને કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના સીમ વિસ્તારમાં આવેલા એક પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વાંકીયા ગામ અને ધ્રોલ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક વિગતો અનુસાર, આ દુર્ઘટના બપોરના સમયે બની હતી. વરસાદી પાણી ભરાયેલા એક ઊંડા ખાડામાં આ ત્રણેય બાળકો રમતા રમતા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ આદરી હતી, ત્યારે તેમને પાણીના ખાડામાંથી બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
તાત્કાલિક ધોરણે ત્રણેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે. ફૂલ જેવા ત્રણ માસૂમોના એકસાથે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેમના આક્રંદથી હોસ્પિટલનો માહોલ ગમગીન બની ગયો હતો.
ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસ કાફલો તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, વાંકીયા ગામના સરપંચ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.
ચોમાસાની ઋતુમાં આવા પાણી ભરાયેલા ખાડાઓ કે તળાવો બાળકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર માતા-પિતા અને સ્થાનિક તંત્રને આવા જોખમી સ્થળો પ્રત્યે વધુ સાવચેતી રાખવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગંભીરપણે વિચારણા કરવા પ્રેર્યા છે.

(8:11 PM IST)