<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

બિહાર કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય: પત્રકારોનું પેન્શન ₹6,000 થી સીધું ₹15,000 કરાયું! રમતગમત, ધર્મ અને વિકાસ માટે 41 મોટા પ્રસ્તાવને મંજૂરી!

આ નિર્ણયોથી બિહાર સરકારની સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા, જેમાં પત્રકારો, રમતવીરો, યુવાનો અને પર્યટન ક્ષેત્રને સમાન રીતે આપવામાં આવ્યું મહત્વ

પટના 29 જુલાઈ, 2025: બિહારમાં મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે 41 મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણયો પૈકી એક પત્રકારોના પેન્શનમાં જંગી વધારો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે!
 
પત્રકારો માટે મોટી ભેટ: પેન્શનમાં 150%નો ઉછાળો!
બિહાર સરકારે પત્રકારો માટે મોટો નિર્ણય લેતા, તેમની માસિક પેન્શનની રકમ ₹6,000 થી વધારીને સીધી ₹15,000 કરી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના પત્રકારોને આર્થિક સુરક્ષામાં નોંધપાત્ર રાહત મળશે.
 
વિકાસ અને સંસ્કૃતિને વેગ: અન્ય મુખ્ય નિર્ણયો
કેબિનેટ સચિવાલય વિભાગના અધિક મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, આ બેઠકમાં અન્ય ઘણા મહત્વના પ્રસ્તાવો પર મહોર મારવામાં આવી છે:
1.    રમતગમતને પ્રોત્સાહન: રાજગીર સ્થિત ખેલ અકાદમી માટે ₹1131 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આનાથી રાજ્યમાં રમતગમત સુવિધાઓનો વિસ્તાર થશે અને યુવાનોને ઉત્તમ તાલીમની તકો મળશે.
2.    પર્યટન અને ધાર્મિક વિકાસ: સીતામઢી જિલ્લામાં આવેલા પુનૌરાધામ મંદિર પાસે પર્યટકીય વિકાસ અને માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે 50 એકર જમીન અધિગ્રહણ કરવા ₹165.57 કરોડની સુધારેલી વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
3.    સંસ્કૃતિ અને પરંપરાનું જતન: મુંગેરના પ્રસિદ્ધ સીતા કુંડ મેળાને હવે 'રાજકીય મેળા'નો દરજ્જો આપવામાં આવ્યો છે. આનાથી મેળાના આયોજનમાં સરકારી સહયોગ વધશે અને પ્રવાસનને પણ વેગ મળશે.
4.    યુવા સશક્તિકરણ: રાજ્ય સરકારે બિહાર રાજ્ય યુવા આયોગ માટે છ નવા પદોના નિર્માણને મંજૂરી આપી છે. આનાથી યુવાનોની સમસ્યાઓના નિરાકરણ અને નીતિ નિર્માણમાં તેમની ભાગીદારી વધશે.
5.    આધુનિક માળખાકીય સુવિધાઓ: પટના શહેરમાં નેહરુ પથ પર ડો. રામ મનોહર લોહિયા પથ ચક્ર (રોડ સર્કલ) ના નિર્માણ કાર્ય માટે ₹675.50 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

 

(6:57 PM IST)