<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલમાં સમસ્‍યા, ૧૦૦ થી વધુ ફલાઇટ્‍સ રદ...હજારો મુસાફરો પરેશાન

હીથ્રો, ગેટવિક, બર્મિંગહામ, માન્‍ચેસ્‍ટર, કાર્ડિફ અને એડિનબર્ગ જેવા મુખ્‍ય એરપોર્ટ પર ફલાઇટ્‍સને અસ્‍થાયી રૂપે રોકવાની ફરજ પડી

 

લંડન,તા.૩૧: બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્‍ટમમાં ટેકનિકલ ખામીને કારણે ૧૦૦ થી વધુ ફલાઇટ્‍સ રદ કરવામાં આવી છે અને ઘણી ફલાઇટ્‍સ મોડી પડી છે. જેના કારણે દેશના મુખ્‍ય એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા.

દક્ષિણ ઈંગ્‍લેન્‍ડમાં નેશનલ એર ટ્રાફિક સર્વિસ (એનએટીએસ) સેન્‍ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે, હીથ્રો, ગેટવિક, બર્મિગહામ, માન્‍ચેસ્‍ટર, કાર્ડિફ અને એડિનબર્ગ જેવા મુખ્‍ય એરપોર્ટ પર ફલાઇટ્‍સને અસ્‍થાયી રૂપે રોકવાની ફરજ પડી હતી.

જોકે એનએટીએસ કહે છે કે આ ટેકનિકલ સમસ્‍યા માત્ર ૨૦ મિનિટમાં ઉકેલાઈ ગઈ હતી, પરંતુ આ સમય દરમિયાન થયેલી અંધાધૂંધીને કારણે આખા દિવસની કામગીરી પર અસર પડી છે. બપોર અને સાંજ સુધીમાં, દેશભરમાંથી ઘણા મુસાફરોએ ફલાઇટ્‍સ રદ થવાની અથવા મોડી પડવાની ફરિયાદ કરી હતી.

આ વિક્ષેપને કારણે ઘણા પ્રવાસીઓની રજાઓ, પરિવહન યોજનાઓ અને વ્‍યવસાયિક મીટિગો પર અસર પડી. પરિસ્‍થિતિને સંભાળવા માટે એરલાઇન્‍સ અને એરપોર્ટને વધારાની વ્‍યવસ્‍થા કરવી પડી.

એર ટ્રાફિક કંટ્રોલ સિસ્‍ટમની આ નિષ્‍ફળતાએ ફરી એકવાર હવાઈ મુસાફરીમાં ટેકનિકલ સલામતી અને બેકઅપ સિસ્‍ટમની મજબૂતાઈ પર પ્રશ્નો ઉભા કર્યા છે.(૪૦.૮)

(10:00 AM IST)