<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

મીત્રતાના નામે દગો ! : ટ્રમ્‍પે પાકિસ્‍તાન સાથે કરી મોટી ઓઇલ ડીલ

એક દિવસ ભારત પાકિસ્‍તાન પાસેથી તેલની ખરીદી કરશે : ટ્રમ્‍પનો કટાક્ષ : અમેરિકા - પાકિસ્‍તાન સાથે મળીને પાક.માં વિશાળ તેલ ભંડાર વિકસિત કરશે

નવી દિલ્‍હી, તા.૩૧: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પાકિસ્‍તાન સાથે એક મોટો વેપાર કરાર કર્યો છે. આ અંતર્ગત, બંને દેશો સંયુક્‍ત રીતે પાકિસ્‍તાનમાં ‘વિશાળ તેલ ભંડાર' વિકસાવશે.

અગાઉ, ટ્રમ્‍પે ભારત પર ટેરિફ વિશે કહ્યું હતું કે ભારત એક મિત્ર દેશ છે. જોકે, તેમણે ટેરિફમાં કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હવે ટ્રમ્‍પ પાકિસ્‍તાન સાથે તેલ કરાર વિશે વાત કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કદાચ એક દિવસ પાકિસ્‍તાન ભારતને તેલ વેચશે. જોકે, ટ્રમ્‍પ કયા તેલ ભંડારની વાત કરી રહ્યા છે તે સ્‍પષ્ટ નથી.

ટ્રમ્‍પે તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્‍યું, અમે પાકિસ્‍તાન સાથે કરાર પર હસ્‍તાક્ષર કર્યા છે. આ અંતર્ગત, પાકિસ્‍તાન અને અમેરિકા સંયુક્‍ત રીતે તેમના વિશાળ તેલ ભંડારનો વિકાસ કરશે.

તેમણે એમ પણ કહ્યું કે હજુ પણ નક્કી કરવામાં આવી રહ્યું છે કે કઈ તેલ કંપની આ ભાગીદારીનું નેતળત્‍વ કરશે. પાકિસ્‍તાન હાલમાં તેની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મધ્‍ય પૂર્વમાંથી તેલ આયાત કરે છે.

પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, પાકિસ્‍તાન પાસે સમુદ્રમાં વિશાળ તેલ ભંડાર છે. ટેકનિકલ ખામીઓ અને પૈસાના અભાવે આનો હજુ સુધી ઉપયોગ થયો નથી. પાકિસ્‍તાન આ ભંડારો વિકસાવવા માટે રોકાણ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્‍પે મજાકમાં કહ્યું, ‘કોણ જાણે, કદાચ એક દિવસ પાકિસ્‍તાન ભારતને તેલ વેચશે.'

ટ્રમ્‍પની જાહેરાત એવા સમયે આવી જ્‍યારે તેમણે ભારત પર ૨૫ ટકા ટેરિફ (આયાત ડ્‍યુટી) લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ભારતથી આવતી બધી વસ્‍તુઓ પર લાગુ થશે. આ સાથે, રશિયા પાસેથી લશ્‍કરી સાધનો અને ઉર્જા ખરીદવા બદલ ભારતને વધારાનો દંડ પણ ફટકારવામાં આવશે. ટ્રમ્‍પે ભારતની વેપાર નીતિઓને ‘સૌથી કડક અને વાંધાજનક' ગણાવી.

ટ્રમ્‍પે કહ્યું કે અમેરિકા ભારત સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું, ‘અમે હાલમાં ભારત સાથે વાત કરી રહ્યા છીએ. ભારતનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે.'

ટ્રમ્‍પે એમ પણ કહ્યું કે વ્‍હાઇટ હાઉસ વેપાર કરારોમાં ખૂબ વ્‍યસ્‍ત છે અને તેઓ દક્ષિણ કોરિયાની વેપાર ટીમને પણ મળશે. ભારતે ટ્રમ્‍પના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે તે આ નિવેદન પર વિચાર કરી રહ્યું છે.

ભારતે કહ્યું, ‘અમે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ જેથી વાજબી, સંતુલિત અને પરસ્‍પર લાભદાયી વેપાર કરાર થઈ શકે. અમે આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.

(2:57 PM IST)