<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું નવું મોડેલ : સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ શરૂ

દેશમાં પ્રથમ : સુરતની સુમન શાળાઓમાં વિદ્યાર્થીઓ બની રહ્યા છે 'ટેક્નો-સ્ટાર્સ' : AI અને રોબોટિક્સના નિ:શુલ્ક શિક્ષણથી ઉજ્જવળ કારકિર્દીનો પાયો નંખાયો

સુરત : આધુનિક સમયની સાથે તાલ મિલાવીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે, સુરત મહાનગરપાલિકા (SMC)એ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરીને દેશની પ્રથમ એવી મહાનગરપાલિકા બની છે, જેણે પોતાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ૩D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. જાન્યુઆરી-૨૦૨૫થી શરૂ થયેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સુરતની ૧૮ સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં ૧૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આ અદ્યતન ટેકનોલોજીનું નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પરંપરાગત અભ્યાસની બહાર જઈને ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર કરવાનો છે. વિદ્યાર્થીઓ હવે ધોરણ ૯ અને ૧૦ના અભ્યાસક્રમની સાથે સાથે AI, રોબોટિક્સ અને ડ્રોન ઉડાવતા શીખી રહ્યા છે. આ ચાર વર્ષના કોર્સ દ્વારા તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩D ટેકનોલોજી અને ડ્રોન જેવી અદ્યતન ટેકનોલોજીનું જ્ઞાન મળી રહ્યું છે, જે તેમને માત્ર જોબ સીકર નહીં પણ ભવિષ્યના ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સ બનવા માટે તૈયાર કરશે.
મુખ્યમંત્રી અને વડાપ્રધાનના વિઝનને સાકાર કરતું શિક્ષણ મોડેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલા 'મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ' અંતર્ગત રાજ્યભરમાં ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ અને ૧૯,૬૦૦ આધુનિક કમ્પ્યુટર લેબ્સનું લોકાર્પણ થયું હતું. આ જ વિઝનને અનુસરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સજ્જ કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૮માંથી ૧૨ સુમન શાળાઓમાં AI લેબ્સનું લોકાર્પણ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેકનિકલ શિક્ષણ મળી રહ્યું છે. આચાર્ય મહેન્દ્રકુમારના જણાવ્યા મુજબ, આ શિક્ષણ પદ્ધતિ ખાસ કરીને નબળા અને મધ્યમ વર્ગના બાળકો માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થઈ રહી છે.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્યની આશા
ઉધનાની સુમન શાળાની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની ધનશ્રી કોળીએ જણાવ્યું કે, આ ટેકનોલોજીયુક્ત શિક્ષણ UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને ડિજિટલ ટેક કંપનીઓમાં નોકરી મેળવવામાં ખૂબ મદદરૂપ થશે. વિદ્યાર્થી જયેશ ચૌહાણે કહ્યું કે, "આવનારો સમય AI અને વર્ચ્યુઅલ રિયાલિટીનો છે, એ અમે શાળામાં જ સમજી શક્યા છીએ. આ જ્ઞાન અમને કારકિર્દી ઘડવામાં ઉપયોગી થશે."
સુરત મનપાનું આ પરિવર્તનકારી શિક્ષણ મોડેલ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે.

 

(2:20 PM IST)