તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૩ બુધવાર
News of Sunday, 3rd August 2025
વિદેશ મંત્રાલય- અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ: 14 કરોડના ગાંજા સાથે પ્રવાસીની ધરપકડ
પાર્સલમાંથી 14.73 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત : બૅગમાંથી યુએનઓડીસીના વિવિધ અહેવાલ અને સિક્રેટ મિશનના રિપોર્ટ્સ પણ મળી આવ્યા

મુંબઈ: વિદેશ મંત્રાલય લખેલા અને અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અંદાજે 14.73 કરોડ રૂપિયાનો જપ્ત કર્યો હતો. આરોપીએ તેની પાસેનું પાર્સલ ‘ગુપ્ત અને રાજદ્વારી’ હોવાનું દર્શાવ્યું હતું અને તેની બૅગમાંથી યુનાઈટેડ નૅશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઈમ (યુએનઓડીસી)ના અહેવાલો તેમ જ બનાવટી સિક્રેટ મિશનની નકલો પણ મળી આવી હતી.
કસ્ટમ્સ વિભાગના મુંબઈ ઝોનના અધિકારીઓએ રવિવારના મળસકે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી આરોપીને તાબામાં લીધો હતો. બૅન્ગકોકથી આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. તેની બૅગમાંથી મળેલા શંકાસ્પદ કવર અને અન્ય દસ્તાવેજોને આધારે તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં ઉડાઉ જવાબ આપનારા પ્રવાસી પાસેના કવરને ખોલવામાં આવતાં અધિકારીઓને પણ આંચકો લાગ્યો હતો. વિદેશ મંત્રાલય લખેલા કવર પર અશોકચિહ્ન પર છાપેલું હતું અને એ કવરમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો મળી આવ્યો હતો. મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવતું હોવાથી ડ્રગ્સની તસ્કરી સાથે સંકળાયેલા લોકોએ આ નવો પેંતરો અજમાવ્યો હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ પાર્સલમાંથી 14.73 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બૅગમાંથી અધિકારીઓને યુએનઓડીસીના વિવિધ અહેવાલ અને સિક્રેટ મિશનના રિપોર્ટ્સ પણ મળી આવ્યા હતા. આ રિપોર્ટ્સ બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આરોપી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
