News of Monday, 4th August 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દીનદયાલ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી
ટ્વીટ કરી આપી શુભેચ્છા, નરેન્દ્રભાઈએ પોતાના કચ્છ પ્રવાસ દરમ્યાન દરમ્યાન ૧૦ મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેમાંથી એક મેગાવોટ પ્લાન્ટ થયો કાર્યરત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : દેશ અને રાજ્યમાં મેજર પોર્ટ ક્ષેત્રે અવ્વલ એવા દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ દેશના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા-આધારિત એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર ચાર મહિના પહેલા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન ડીપીએ, કંડલામાં 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. જેમાંથી એક મેગાવોટ મોડ્યુલના કાર્યરત થવા સાથે તે વિઝન જમીન પર આકાર લેવાનું શરૂ થઈ ગયું છે.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ટ્વિટમાં ડીપીએની આ પહેલની પ્રશંસા કરી જેમાં તેમણે કહ્યું કે "આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે અને ભારતના નેટ ઝીરો વિઝનને આગળ ધપાવે છે." કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આ પહેલી વાર છે, જ્યારે ભારત સરકારના બંદર દ્વારા આવી ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે, જે દરિયાઇ ક્ષેત્રમાં પરિવર્તનના પાયા સમાન છે. આ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, જેમાં ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ડીપીએ, કંડલાના ચેરમેન સુશીલકુમાર સીંઘે આ પ્રોજેક્ટ માત્ર ડીપીએ કે ગુજરાત માટે નહી પરંતુ સમગ્ર દેશ માટે મહત્વનો સાબિત થશે, તેમ જણાવ્યું હતું.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
