News of Monday, 4th August 2025
ડાન્સ બારમાં તોડફોડ, અરાજકતા ફેલાવનારા મનસે કાર્યકરો પર કાર્યવાહીઃ ૧૫ સામે કેસ દાખલ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કેટલાક કાર્યકરો પનવેલના એક ડાન્સ બારમાં પહોંચ્યા અને તોડફોડ કરીઃ એક વીડિયોમાં કેટલાક લોકો લાકડીઓ સાથે બારમાં ઘૂસતા, બોટલો તોડતા અને ફર્નિચરને નુકસાન પહોંચાડતા જોવા મળ્યા

મુંબઈ, તા.૪: પનવેલમાં ડાન્સ બારમાં તોડફોડ કરવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ૧૫ કાર્યકરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાર્ટીના વડા રાજ ઠાકરેએ જાહેર ભાષણ દરમિયાન રાયગઢ જિલ્લામાં ગેરકાયદેસર બાર પર આકરા હુમલો કર્યાના થોડા કલાકો પછી જ આ ઘટના બની હતી. અધિકારીઓએ રવિવારે કેસ દાખલ કરવાની માહિતી આપી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, કેટલાક લોકો શનિવારે મોડી રાત્રે પનવેલની બહાર આવેલા નાઇટ રાઇડર્સ બારમાં ઘૂસતા, ત્યાં ફર્નિચરની તોડફોડ કરતા, દારૂની બોટલો તોડતા અને મિલકતને નુકસાન પહોંચાડતા જોવા મળે છે.
આ ઘટનાના કલાકો પહેલા, મનસેના વડા રાજ ઠાકરેએ રાયગઢમાં ખેડૂત અને મજૂર પક્ષની રેલીને સંબોધિત કરતી વખતે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર ડાન્સ બાર ચલાવવાની નિંદા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મનસેના કાર્યકર્તા યોગેશ ચિલી અને અન્ય ૧૫ લોકો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
દરમિયાન, મનસેના નેતા સંદીપ દેશપાંડેએ બારમાં તોડફોડની ઘટનાનો બચાવ કરતા તેને પ્રતીકાત્મક વિરોધ ગણાવ્યો છે. તેમણે કહ્યું, સરકારે આ ગેરકાયદેસર બાર સામે કાર્યવાહી કરવી જોઈએ. શું તેઓ બાર ચલાવી રહ્યા છે કે તેનું રક્ષણ કરી રહ્યા છે? જો તેઓ તેને બંધ નહીં કરે, તો લોકો કાર્યવાહી કરશે.
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે અગાઉ પણ બિન-મરાઠી ભાષીઓ પર હુમલો કરવા બદલ ટીકાનો સામનો કરી ચૂકી છે. હવે ડાન્સ બારમાં તોડફોડ કરવા બદલ પાર્ટી ફરીથી ટીકાકારોના નિશાન પર છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
