<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

અમેરિકાએ જુલાઈમાં ૨.૫૦ લાખ કરોડનો ટેરિફ વસૂલ્‍યો

અમેરિકાને આ વર્ષે ટેરિફથી ૧૫૦ અબજ ડોલરની આવક મળી :ટેરિફથી મળેલા પૈસા સામાન્‍ય માણસમાં વહેંચવાની યોજનાઃ અમેરિકાના દેવામાં ઘટાડો થવાનો અંદાજ

વોશીંગ્‍ટન,તા.૦૫: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ટેરિફ માટે કેમ ગાંડા છે, તેનો આંકડો અને કારણ સામે આવ્‍યું છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્‍ટે ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવાયું છે કે જુલાઈ મહિનામાં જ અમેરિકાએ ટેરિફથી લગભગ ઼૨૯ અબજ ડોલર એટલે કે રૂ.૨.૫૦ લાખ કરોડથી વધુની આવક મેળવી છે. ટ્રમ્‍પ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા હજુ સુધી પૂર્ણ થઈ નથી અને યુએસ ટ્રેઝરીને પહેલાથી જ અબજ ડોલરની આવક મળી ચૂકી છે, તે પણ ફક્‍ત આયાત શુલ્‍કના રૂપમાં.

અમેરિકાના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્‍યારે એક જ મહિનામાં ટ્રેઝરીને  $૨૯ બિલિયન (લગભગ રૂ.૨.૫૦ લાખ કરોડ)ની આયાત શુલ્‍ક મળી છે. જુલાઈ ૨૦૨૫ સુધીમાં, એટલે કે માત્ર ૭ મહિનામાં, યુએસ ટ્રેઝરીને $૧૫૦ બિલિયન (લગભગ રૂ.૧૩ લાખ કરોડ)ની આવક મળી છે. જૂન મહિનામાં, યુએસ ટ્રેઝરીને $૨૭ બિલિયનની આવક મળી હતી. હવે જુલાઈનો આંકડો આ રેકોર્ડને પાર કરી ગયો છે અને હવે તે કોઈપણ એક મહિનામાં એકત્રિત કરાયેલ સૌથી વધુ ટેરિફ છે.

યુએસ રાષ્ટ્રપતિએ એપ્રિલથી જ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને ત્‍યારથી ત્‍યાં ટ્રેઝરીમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્‍યુઆરીમાં અમેરિકાને ટેરિફથી ૭.૯ બિલિયન ડોલરની આવક મળી હતી, જ્‍યારે એપ્રિલમાં તે બમણી થઈને ૧૬.૩ બિલિયન ડોલર થઈ ગઈ. હવે જ્‍યારે અમેરિકાનો ટેરિફ ૭ ઓગસ્‍ટથી સંપૂર્ણપણે લાગુ થઈ જશે, ત્‍યારે તેની તિજોરીમાં વધુ મોટો વધારો થવાની ધારણા છે.

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્‍કોટ બેસન્‍ટે તાજેતરમાં કહ્યું હતું કે ૨૦૨૫ માં ટેરિફમાંથી યુએસ ટ્રેઝરીને લગભગ ૩૦૦ બિલિયન ડોલર (લગભગ ૨૬ લાખ કરોડ રૂપિયા) ની આવક થવાની ધારણા છે. યુએસ કોંગ્રેસે તાજેતરમાં અંદાજ લગાવ્‍યો હતો કે ટેરિફ આગામી ૧૦ વર્ષમાં અમેરિકાના દેવામાં ૨.૫ ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરી શકે છે. ટ્રમ્‍પના આ નિર્ણયથી અમેરિકાના અર્થતંત્રને મોટું નુકસાન થવાની પણ ધારણા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે કહ્યું કે ટેરિફમાંથી મળેલા પૈસા દેશના સામાન્‍ય માણસમાં વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે ટેરિફનો અમુક ભાગ મધ્‍યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ડિવિડન્‍ડ તરીકે વહેંચવામાં આવશે. જોકે બીબીસીએ પોતાના અહેવાલમાં જણાવ્‍યું છે કે ટેરિફથી અમેરિકામાં ફુગાવો વધશે, જેની અસર સામાન્‍ય માણસ પર પડશે. જૂન મહિનામાં જ અમેરિકામાં ફુગાવાનો દર મે મહિનામાં ૨.૪ ટકાથી વધીને ૨.૭૦ ટકા થઈ ગયો છે.(૪૦.૧૦)

(9:55 AM IST)