<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઈન્‍શ્‍યોરન્‍સ વગરની ગાડી ચલાવી તો મર્યા સમજજો

કેન્‍દ્ર સરકાર ઈન્‍શ્‍યોરન્‍સ, સ્‍પીડ લિમિટ અને ડ્રાઈવિગ લાયસન્‍સના નવા નિયમો લાવી રહી છે

નવી દિલ્‍હી,તા.૦૫: ઘણા લોકો પોતાના વાહનનો વીમો ખતમ થયા બાદ પણ રસ્‍તા પર વાહન ચલાવતા રહે છે,  આવી બેદરકારીને કારણે અકસ્‍માતની સ્‍થિતિમાં ન તો નુકસાનની ભરપાઈ થઈ શકે છે, ન તો કોઈને મદદ મળી શકે છે. હવે કેન્‍દ્ર સરકાર આવી બેદરકારી પર નિયંત્રણ લાવવા માટે મોટર વ્‍હીકલ એક્‍ટમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. જેનો હેતુ રસ્‍તાઓ પર સુરક્ષા વધારવાનો અને નિયમોનું કડક પાલન કરાવવાનો છે.

હાલમાં જો કોઈ વ્‍યક્‍તિ વીમા વિના વાહન ચલાવતા પકડાય, તો પ્રથમ વખત ૨,૦૦૦ રૂપિયા અને બીજી વખત ૪,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ નવા નિયમો અનુસાર જો પહેલીવાર પકડાય તો વાહનચાલકે વીમાના બેઝિક પ્રિમિયમ રકમના ત્રણ ગણા સુધી દંડ ભરવો પડી શકે છે. તો બીજી વખત જો કોઈ આવું કરે તો તેમણે પ્રીમિયમની રકમના પાંચ ગણા સુધી દંડ થશે. સરકાર ઈચ્‍છે છે કે રસ્‍તાઓ પર વીમા વગર ચાલતા વાહનોની સંખ્‍યા ઘટે.

દેશમાં સ્‍પીડ લિમિટ અંગે હંમેશા મૂંઝવણ રહે છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો ઘણીવાર અલગ-અલગ નિયમો લાગુ કરે છે, જેના કારણે વાહનચાલકોને સમજમાં નથી આવતું કે કયા રસ્‍તા પર કેટલી સ્‍પીડે ગાડી ચલાવવી જોઈએ. આના કારણે ઘણીવાર અજાણતાં ચલણ કપાઈ જાય છે. નવી વ્‍યવસ્‍થા મુજબ હવે નેશનલ હાઈવે અને એક્‍સપ્રેસવે પર સ્‍પીડ લિમિટ નક્કી કરવાનો અધિકાર કેન્‍દ્ર સરકારની પાસે જ રહેશે, જ્‍યારે રાજ્‍યના હાઈવે અને સ્‍થાનિક રસ્‍તાઓની સ્‍પીડ લિમિટ રાજ્‍ય સરકારો નક્કી કરશે. આ નવી વ્‍યવસ્‍થાથી વાહનચાલકોને નિયમોની સ્‍પષ્ટ માહિતી મળશે અને બિનજરૂરી ચલણથી બચી શકાશે.

સરકાર ડ્રાઈવિગ લાયસન્‍સના નિયમોને પણ વધુ કડક કરવાની તૈયારીમાં છે. જો કોઈ વ્‍યક્‍તિ ઝડપી વાહન ચલાવવા અથવા નશામાં વાહન ચલાવવા જેવા ગંભીર ગુનામાં પકડાય, તો તેને લાયસન્‍સ રિન્‍યૂ કરાવતા પહેલાં ફરીથી ડ્રાઈવિગ ટેસ્‍ટ આપવો પડશે.

૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકોએ લાયસન્‍સ રિન્‍યૂ કરાવતી વખતે એ સાબિત કરવું પડશે કે તેઓ હજુ પણ સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે છે. આ માટે તેમણે પણ ડ્રાઈવિગ ટેસ્‍ટ આપવો પડશે. 

(9:56 AM IST)