News of Tuesday, 5th August 2025
રક્ષાબંધન શનિવારેઃ રાખડી બાંધવા બપોરે ૧.૨૫ સુધીનું શુભ મુહૂર્ત
શુક્રવારે વ્રતની પૂનમ અને શનિવારે બળેવ-રક્ષાબંધન ઉજવાશે, શનિવારે ભદ્રાના ઓછાયા વિના ઉજવણી : શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં પવિત્ર પર્વની રોનક છવાશે, રાખડી અને મીઠાઇ બજારમાં ચહલપચલ શરૂ

મુંબઈ,તા.૦૫: ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વ રક્ષાબંધનને લઈને રાખડી અને મીઠાઈ બજારમાં હલચલ શરૂ થઇ ગઇ છે. શહેરમાં ઠેરઠેર રાખડી બજારો ધમધમવા માંડ્યા છે. દરમિયાન શનિવારે શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં રક્ષાબંધન પર્વની રંગારંગ ઉજવણી થશે. પંચાગને જોતાં ભાઈને રાખડી બાંધવા માટે બપોરે ૧.૨૫ વાગ્યા સુધીનું શુભ મુહૂર્ત હોવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. શુક્રવારે વતની પૂનમ અને શનિવારે ભદ્રાના ઓછાયા વિના બળેવ-રક્ષાબંધન ઉજવાશે.
તિથિ. નક્ષત્રના સંયોગ વચ્ચે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વ વેળાએ પણ પંચાગ પ્રમાણે શુભઅશુભ મુહૂર્ત નિર્ધારિત કરવામાં આવેછે. કેટલાક સંયોગમાં વિષ્ટિ કરવા એટલે કે ભદ્રા યોગને કારણે રાખડી બાંધવાની વિધિમાં મતમતાંતર જોવા મળે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે તિથિને આધીન શનિવારે રક્ષાબંધન પર્વ ઉજવાશે.
જાણકારોના મતે શુક્રવારે બપોરે ૧.૧૭ વાગ્યે શ્રાવણ સુદ પૂનમની તિથિ શરૂ થશે, પરંતુ સૂર્યોદય તિથિમાં શનિવારે બળેવ, રક્ષાબંધન પર્વ ઉજવાશે. શુક્રવારે વતની પૂનમ, નાળિયેરી પૂનમ, જીવંતિકા પૂજન, હયગ્રીવ જયંતિ જેવા પ્રસંગો ઉજવાશે.
શનિવારે બળેવ અને રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. શનિવારે બપોરે ૧.૨૫ વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ છે અને ત્યારબાદ પડવાની તિથિ શરૂ થશે. શનિવારે બપોરે ૧.૨૫ વાગ્યા સુધીમાં શુભ અને ચલ ચોઘડિયું આવશે. છતાં પવિત્ર સંબંધના મહાત્મ્યને જોતાં બહેનો પોતાના ભાઈને આખો દિવસરાખડી બાંધી શકાશે. શનિવારે બપોરે ૨.૨૪ વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર છે અને આખો દિવસ સૌભાગ્ય યોગ, બાલવ કરણ રહેશે. શનિવારે બળેવ-રક્ષાબંધન સાથે શનિવારી પૂનમ, હિરણ્યકેશીતૈતરિય શાખા, કોકીલા વ્રત સમાપ્તિ, મારુતિ પૂજન, ઋગ્વેદ-યજુર્વેદ-અથર્વવેદી શ્રાવણી, સર્વ દેવ પવિત્રા રોપણ, નકલંક મેળો, કૃષ્ણ નવરાત્રી જેવા પ્રસંગો ઉજવાશે.
ઇન્દ્રના વિજય અને કૃષ્ણ-દ્રૌપદી સાથે જોડાયેલી છે લોકવાયકા
જ્યોતિપીના જણાવ્યા મુજબ, અસુરોએ દેવતાઓ પરાજિત કર્યા બાદ ઇન્દ્ર દેવતાઓ સાથે અમરાવતી ચાલ્યા ગયા હતા. દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી દીધું, દરમિયાન ગુરુ બુધે ઇન્દ્રને રક્ષા વિધાનનું સચન કર્યું. શ્રાવણની પુનમની સવારે રક્ષા વિધાન પુરું કરાયા બાદ ઇન્દ્રાણીએ ઇન્દ્ર દેવને જમણા હાથે રક્ષાસૂત્ર બાંધી યુદ્ધભૂમિમાં મોકલ્યા અને રક્ષાબંધનના પ્રભાવથી ઇન્દ્રનો વિજય થતાં આ પરંપરા શરૂ થઇ હતી. અન્ય એક વાયકામાં રાજા બલિએ વામન અવતારમાં આવેલા ભગવાન વિષ્ણુને પોતાના દ્વાર પર ઊભા રહેવાનું વરદાન માંગ્યું હતું તે વેળાએ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા હતા. બીજી વાયકા પ્રમાણે શિશુપાલના વધ વેળાએ ભગવાન કૃષ્ણને આંગળીમાંથી લોહી નીકળતું હોય દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી બાંધી દીધો હતો. દુઃશાસને દ્રૌપદીનું ચીર હરણ કર્યું ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રીપદીના ચીર પુરી બંધનનો ઉપકાર વાળ્યો હતો.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
