<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના માનમાં ઝારખંડની સરકારી શાળાઓ બંધ રહેશે: પરીક્ષાઓ પણ રદ

શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક સોરેનના માનમાં રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો

પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના માનમાં ઝારખંડની તમામ સરકારી શાળાઓ મંગળવારે બંધ રહેશે. ઉપરાંત રાંચીની ઘણી ખાનગી શાળાઓએ પણ મંગળવારે રજા જાહેર કરી છે. ઝારખંડની સરકારી શાળાઓમાં મંગળવારે યોજાનારી માસિક પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ ઉમા શંકર સિંહે જણાવ્યું હતું કે, 'રાજ્ય શોકના ભાગ રૂપે 5 ઓગસ્ટે તમામ સરકારી શાળાઓમાં વર્ગો સ્થગિત રહેશે.'

રાજ્યમાં શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક સોરેનના માનમાં રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. સોરેનનું સોમવારે 81 વર્ષની વયે નવી દિલ્હીની એક હોસ્પિટલમાં અવસાન થયું.

એક સત્તાવાર નિવેદન અનુસાર સરકારે આ સમયગાળા દરમિયાન તેના તમામ નિર્ધારિત કાર્યક્રમો પણ રદ કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 4 અને 5 ઓગસ્ટના રોજ તમામ રાજ્ય સરકારી કચેરીઓ બંધ રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આજે સવારે નવી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સભ્ય શિબુ સોરેનના નિધન બાદ, રાજ્ય સરકારે 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસનો રાજ્ય શોક મનાવવાનો નિર્ણય લીધો છે.' ઝારખંડની તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે.

(1:14 PM IST)