News of Tuesday, 5th August 2025
ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ ઋષિકેશમાં ગંગાનદી બે કાંઠેઃ અનેક ઘાટ પાણીમાં ગરકાવ
લોકોને ગંગા ઘાટ પર ન જવા અપાઈ ચેતવણી ત્રિવેણી ઘાટ પાસે વોટર પોલીસની ટીમ તૈનાત

ઋષિકેશ-તા.૫: હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. પહાડોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ પહાડો પર ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે, ત્યાં બીજી તરફ ઋષિકેશમાં ગંગા નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ગયું છે, જેના કારણે ઋષિકેશના ત્રિવેણી ઘાટ સહિત અનેક ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકથી સતત પડી રહેલો મુશળધાર વરસાદ લોકો માટે મુશ્કેલી બનીને આવ્યો છે. ગંગા ઉપરાંત અનેક નદીઓ તોફાની બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
પોલીસ દ્વારા ચેતવણી
ઋષિકેશમાં ચંદ્રભાગા નદી પણ ગાંડીતૂર બની છે, જેના કારણે પોલીસે જાહેરાત કરીને નદી કિનારે રહેતા લોકોને સાવચેત કર્યા છે. આ ઉપરાંત, યમકેશ્વર બ્લોકને જોડતી બીન નદી પણ બે કાંઠે વહી રહી છે, જેના કારણે નાના વાહનોની અવરજવર અટકાવવામાં આવી છે. લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરીને નદી પાર કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંદ્રભાગા અને બીન નદીમાં પાણીનું સ્તર વધુ ઝડપથી વધવાની શકયતા છે.
લોકોના ઘરોમાં ભરાયા પાણી
ઋષિકેશ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. આના કારણે લોકોનો ઘરવખરીનો સામાન પણ ખરાબ થઈ ગયો છે. શિવાજી નગર, ચંદ્રેશ્વર નગર અને મનસા દેવી જેવા વિસ્તારોમાં રહેતા લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા સરકારને પોતાની પરિસ્થિતિની જાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરમાર્થ નિકેતન અને ત્રિવેણી ઘાટ ડૂબ્યા
સતત વરસાદના કારણે વિશ્વ પ્રસિદ્ધ પરમાર્થ નિકેતનનો આરતી ઘાટ સંપૂર્ણપણે ગંગામાં સમાઈ ગયો છે. ગંગાના મોજા ઘાટ પર સ્થાપિત શિવની મૂર્તિને સ્પર્શી રહ્યા છે. ઋષિકેશનો ત્રિવેણી ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરતી પણ નિર્ધારિત સ્થળથી અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
