<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ટીડીઆર પર બિલ્‍ડર પાસેથી વસૂલાતા ૧૮ ટકા જીએસટી પર હાલ પૂરતી રોક

ટીડીઆર પર જીએસટી વસૂલવા અંગે રિટ પિટિશન કરી હતી નિર્ણય નહીં આવે ત્‍યાં સુધી કોઇ પણ કાર્યવાહી ન કરવા મુંબઇ હાઇકોર્ટનો આદેશ

મુંબઈ,તા.૦૬: બિલ્‍ડર દ્વારા અન્‍યની જમીન પર બાંધકામ કરવામાં આવે તો તેને મળતા ટીડીઆર પર ૧૮ ટકા પ્રમાણે જીએસટી ભરવાનો હોય છે. આ નિયમ હેઠળ કેન્‍દ્ર સરકારની સાથે સાથે રાજ્‍ય સરકારને પણ દર વર્ષે કરોડો રૂપિયાની આવક થતી હોય છે, પરંતુ ટીડીઆર પર વસૂલવામાં આવતા જીએસટી પર મુંબઈ હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. જેથી મુંબઇ હાઇકોર્ટ વસૂલાત કરવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. તેમજ જ્‍યાં સુધી કેસનો ચુકાદો નહીં આવે ત્‍યાં સુધી આવા કેસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવા પણ આદેશ કર્યો છે. જોકેહાલ પૂરતી રોક લગાડવામાં આવી હોવાના કારણે સૌથી વધુ રાહત બિલ્‍ડરોને થવાની છે.

જમીન માલિક સાથે કરાર કરીને બિલ્‍ડર દ્વારા પ્રોજેક્‍ટ બનાવવામાં આવે તો જમીન માલિકની મંજૂરીથી બિલ્‍ડરને ટ્રાન્‍સફર ડેવલપમેન્‍ટ રાઇટ (ટીડીઆર) આપવામાં આવતો હોય છે. તેનો વપરાશ અન્‍ય જગ્‍યાએ બિલ્‍ડર દ્વારા કરવામાં આવતો હોય છે. જોકે તેના પર જીએસટી વિભાગ દ્વારા ૧૮ ટકા લેખે ટેક્‍સની વસૂલાત કરતો હોય છે. તેના કારણે બિલ્‍ડરને માથે મોટો આર્થિક બોજ સહન કરવાની નોબત આવતી હતી. આ અંગે મુંબઈ હાઈકોર્ટમાં નિર્મલ લાઈફસ્‍ટાઇલ ડેવલપર પ્રાઈવેટ લિ. દ્વારા રિટપિટિશન કરવામાં આવી હતી. તેમાં હાઇકોર્ટે હાલ પૂરતો સ્‍ટે આપીને તમામ કાર્યવાહી અટકાવી દેવાનો આદેશ જીએસટી વિભાગને કર્યો છે. તેમજ જ્‍યાં સુધી કેસનો ચુકાદો નહીં આવે ત્‍યાં સુધી નોટિસ આપી હોય તો તેની પાસેથી વસૂલાતની કાર્યવાહી પણ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે એડવોકેટ મુકુંદ ચૌહાણે જણાવ્‍યું હતું કે મુંબઈ હાઈકોર્ટે જે સ્‍ટે આપ્‍યો છે તેના કારણે બિલ્‍ડરે ટીડીઆર ભરવાનો હોય તો જ્‍યાં સુધી કોર્ટનો નિર્ણય નહીં આવે ત્‍યાં સુધી નાણાં જમા કરાવવામાંથી બચવું જોઇ એ. તેમજ આ ચુકાદાના કારણે હાલ પૂરતી તો બિલ્‍ડરોને ચોક્કસ રાહત થઈ છે.

(3:35 PM IST)