News of Wednesday, 6th August 2025
યુસીસીના અમલનો તખ્તો તૈયાર : કમિટી એકાદ મહિનામાં રિપોર્ટ સુપરત કરશે
યુસીસીના અધ્યક્ષ નિવૃત્ત જાસ્ટિસ રંજના દેસાઈ, સભ્યોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી : અગાઉ ૫મી માર્ચે સમિતિના ચેરમેન અને સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે પ્રથમ બેઠક યોજી

અમદાવાદ તા.૬: રાજ્યમાં કોમન સિવિલ કોડ(યુસીસી)ની આવશ્વકતા ચકાસવા અને આ સંદર્ભનો કાયદો બનાવવા અંગે તેનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે કમિટીની કામગીરી પ્રગતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ છે અને આગામી એકાદ માસ દરમિયાન તેઓ તેમનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. જેનો અભ્યાસ કર્યા બાદ સરકાર દ્વારા નિર્ણય લેવાશે.
આ બેઠકમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી ઉપરાંત સમિતિના સભ્યો નિવૃત્ત વરિષ્ઠ અધિકારી સી.એલ.મીના, એડવોકેટ આર.સી.કોડેકર, પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, સચિવ ડો. વિક્રાંત પાંડે, કાર્યકારી કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
હાલ દેશના ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ જારી છે. જ્યારે, ગુજરાત સરકારે તેના અમલ પહેલાં તમામ પાસાઓનો અભ્યાસ કરીને તેના કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા ૪થી ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ કમિટી રચવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ૫મી માર્ચ ૨૦૨૫ના રોજ આ સમિતિના ચેરમેન અને સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે પ્રથમ બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના નિર્ણયને અનુરૂપ, બધા નાગરિકો માટે સમાન અધિકારો સુનિヘતિ કરવા માટે, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે. આ પ્રક્રિયામાં આ સમિતિ ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત નાગરિક બાબતોના નિયમન સંબંધિત હાલના કાયદાઓની સમીક્ષા કરશે તેવું નક્કી કરાયું હતું.(૩૮.૧૪)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
