News of Wednesday, 6th August 2025
ભ્રષ્ટાચારી બચે નહીં અને પ્રમાણિક અધિકારીઓ હેરાન ન થાય તેનું બેલેન્સ રાખવું જરૂરીઃ સુપ્રીમ
સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારની તપાસની તલવાર લટકતી રાખી શકાય નહીં: સુનાવણીઃ સતત ચાલુ

નવી દિલ્હી તા.૬: સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની શરૂ તપાસ કરતા પહેલા મંજૂરીના નિયમને પડકારતી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે સંતુલન બનાવવું પડશે. પોતાની ફરજો બજાવતા પ્રામાણિક અધિકારીઓને હેરાન કરતી ફરિયાદોથી સુરક્ષિત રાખવા જોઈએ. આની સાથે અપ્રમાણિક અધિકારીઓને સુરક્ષા ન મળે તે પણ સુનિヘતિ કરવું પડશે. આ મામલાની સુનાવણી આજે ૬ ઓગસ્ટે પણ ચાલુ રહેશે. ન્યાયાધીશ બી વી નાગરત્ન અને કે વી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જો પ્રામાણિક જાહેર સેવકો ખોટી ફરિયાદોનો ભોગ બને તો તેઓ બિલકુલ કામ કરશે નહીં અને આનાથી પોલિસી પેરેલિસિસ થઈ શકે છે.
ભ્રષ્ટાચાર નિવારણ ધારાની કલમ ૧૭એની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આ કલમ મુજબ ભ્રષ્ટાચારના કેસોમાં સરકારી અધિકારીઓ સામે તપાસ શરૂ કરવા માટે પૂર્વ મંજૂરી ફરજિયાત છે. આ કલમને એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશને પડકારી છે.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે કોઈએ એવો અભિગમ ન અપનાવવો જોઈએ કે દરેક અધિકારી પ્રામાણિક છે અથવા દરેક અધિકારી ભ્રષ્ટ છે. સરકારી અધિકારીઓ તેમની સત્તાવાર ફરજ બજાવતી વખતે નિર્ણયો લેતા હોય છે અથવા ભલામણો કરતાં હોય છે અને કોઈ એમ ન કહી શકે કે દરેક નિર્ણય કલંકિત છે. જો અધિકારીએ સત્તાવાર કાર્યો નિભાવવા માટે કોઈ નિર્ણય લીધો હોય અથવા ભલામણ કરી હોય તો પોલીસ તપાસની તલવાર તેમના પર લટકતી રાખી શકાય નહીં.
ખંડપીઠે અરજદારના વકીલ એડવોકેટ પ્રશાંત ભૂષણને સવાલ કર્યો હતો કે આ જોગવાઈ (ભ્રષ્ટાચાર નિવારણ ધારાની કલમ ૧૭એ)માં શું ખોટું છે? અમે જાણવા માંગીએ છીએ કે તમે તેના પર શા માટે અટેક કરી રહ્યા છો.
પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે તપાસ અથવા પૂછપરછ માટે પણ પૂર્વ મંજૂરી ફરજિયાત કરતી જોગવાઈ ભ્રષ્ટાચારના ગુનાઓની તપાસ ખોરવી નાંખે છે. પ્રામાણિક સરકારી અધિકારીઓને રક્ષણ માટે માટે પૂરતી જોગવાઈઓ છે. પણ સરકારી તંત્ર તેનો દુરુપયોગ કરે છે. (૩૮.૬)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
