હું ટ્રમ્પને ફોન નહીં કરૂ : ફક્ત મોદી-શી જિનપિંગ સાથે વાત કરીશ...
બ્રાઝિલના રાષ્ટ્રપતિનું આકરૂ નિવેદન

નવી દિલ્હી, તા.૬: અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વેપાર સંબંધિત તણાવ હવે શબ્દયુદ્ધમાં ફેરવાઈ ગયો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસીયો લુલા દા સિલ્વાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કર્યો. લુલા દા સિલ્વાએ કહ્યું કે તેમને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવામાં રસ નથી અને તેઓ તેમને ફોન નહીં કરે. લુલાએ આગળ કહ્યું કે હું પીએમ મોદી અને શી જિનપિંગ સાથે વાત કરીશ. લુલાએ હુમલો કર્યો અને તે દિવસનો ઉલ્લેખ કર્યો જ્યારે અમેરિકાએ બ્રાઝિલ પર ભારે ટેરિફ લાદ્યો હતો. તેમણે આ દિવસને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સૌથી દુઃખદ દિવસ ગણાવ્યો.
અમેરિકાએ બ્રાઝિલ પર વધારાનો ૪૦% ટેરિફ લાદ્યો છે, જેનાથી કુલ ટેરિફ ૫૦% થઈ ગયો છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. લુલાએ કહ્યું કે બ્રાઝિલ તેના વેપાર હિતોનું રક્ષણ કરવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) સહિત તમામ ઉપલબ્ધ મંચોનો ઉપયોગ કરશે. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે લુલા ‘ગમે ત્યારે ફોન' કરી શકે છે અને વેપાર વિશે વાત કરી શકે છે. બ્રાઝિલના નાણામંત્રી ફર્નાન્ડો હદ્દાદે પણ આ પગલાનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે લુલા આવી વાતચીત માટે તૈયાર છે. પરંતુ લુલાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વાતચીત શરૂ કરશે નહીં.
અમેરિકા અને બ્રાઝિલ વચ્ચેનો તણાવ ફક્ત વેપાર પૂરતો મર્યાદિત નથી. તાજેતરમાં, અમેરિકાએ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરી હતી, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને બળવા ષડયંત્ર કેસમાં ટ્રાયલ પહેલાં નજરકેદ કરવામાં આવ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ વેસ્ટર્ન હેમિસ્ફિયર અફેર્સે જસ્ટિસ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસને ‘યુએસ દ્વારા પ્રતિબંધિત માનવાધિકાર ઉલ્લંઘનકાર' ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે કોર્ટનો ઉપયોગ કરી રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
